સાયન્સ ફેકલ્ટીમાં પૂરના પાણીના કારણે રિસર્ચ માટેના આઠ કરોડના ઉપકરણો ક્ષતિગ્રસ્ત

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
સાયન્સ ફેકલ્ટીમાં પૂરના પાણીના કારણે રિસર્ચ માટેના આઠ કરોડના ઉપકરણો ક્ષતિગ્રસ્ત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પૂરના પાણીના કારણે સૌથી વધારે નુકસાન સાયન્સ ફેકલ્ટીને થયું છે.સાયન્સ ફેકલ્ટીમાં રિસર્ચ માટેના આઠ કરોડ રુપિયાના મોંઘાદાટ ઉપકરણોને પાણીના કારણે ક્ષતિ પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે.

જેમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં વસાવાયેલા એનએમઆર ( ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ) મશિન, નાઈટ્રોજન પ્લાન્ટનો સમાવેશ થાય છે.આ ઉપકરણોની કિંમત જ ત્રણ કરોડ રુપિયા જેટલી થવા જાય છે.

ફેકલ્ટીના જીનોમ રિસર્ચ સેન્ટરમાં પાણી ઘૂસી જવાના કારણે ગ્રીનહાઉસ ફ્રિઝર્સ, સર્વર્સ, વોટર ડિસ્ટિલેશન સિસ્ટમ વગેરેને એક કરોડ રુપિયાનું નુકસાન થયું છે.માઈક્રોબાયોલોજી વિભાગમાં સ્પેક્ટ્રોમીટર, માઈક્રોપ્લેટ રીડર, સ્નેકર્સ, લેમિનાર ફ્લો વગેરે ઉપકરણોની કિંમત ૩ કરોડ રુપિયા થવા જાય છે.જેમાં પણ પાણી ઘૂસી ગયું છે.બાયોકેેમેસ્ટ્રી અને ફિઝિક્સ વિભાગને પણ એકાદ કરોડનું નુકસાન થયું છે.

લેબોરેટરીઓમાં પાણી ઘૂસવાથી મોંઘાદાટ કેમિકલ બરબાદ થઈ ગયા છે.સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટર પણ પાણીના કારણે બરબાદ થયા છે.સાયન્સમાં કુલ મળીને ૮૦ જેટલા કોમ્પ્યુટરોને ભારે નુકસાન થયું છે.એક વરિષ્ઠ અધ્યાપકે કહ્યું હતું કે, અમને જ્યારે પૂરની સ્થિતિનો અંદાજ આવ્યો ત્યાં સુધીમાં એટલા પાણી ભરાઈ ગયા હતા કે ફેકલ્ટીમાં આવવું મુશ્કેલ બન્યું હતુ.જો વોર્નિંગ મળી હોત તો આ ઉપકરણો અમે વધારે સલામત સ્થળોએ મૂકીને કદાચ બચાવી શક્યા હોત.



Google NewsGoogle News