સ્કૂલે જવાની ઉંમરે રઝળપાટ કરતા બાળ ભિક્ષુઓનું ઉત્થાન,39 બાળકોનું રેસ્ક્યૂ..માવજત લઇ શિક્ષિત કરાશે
વડોદરાઃ સ્કૂલ જવાની ઉંમરે રસ્તા પર રઝળપાટ કરતા બાળ ભિક્ષુઓ માટે પોલીસે માનવીય અભિગમ અપનાવી તેમના જીવન પરિવર્તન માટે પ્રયત્ન કર્યો છે.જેના ભાગરૃપે ૩૯ બાળ ભિક્ષુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
કુમળીવયના બાળકો સ્કૂલે જવાને બદલે મજબૂરીવશ કે પછી અન્ય કારણોસર ટ્રાફિક સિગ્નલો તેમજ જાહેર માર્ગો પર રખડતા જોવા મળતા હોય છે.આવા બાળ ભિક્ષુઓના જીવનનું પરિવર્તન કરવા માટે આજે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક ડ્રાઇવ રાખી હતી.
વડોદરા પોલીસની શી ટીમ,મહિલા અધિકારીઓ તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટિના સદસ્યો સહિત ૭૦ જેટલા અધિકારીઓએ શહેરના જુદાજુદા ૧૧ પોઇન્ટ પર ચેકિંગ કરી ૩૯ બાળ ભિક્ષુઓનું રેસ્ક્યૂ કર્યું હતું.તમામ બાળકોને પોલીસ ભવન ખાતે લાવવામાં આવ્યા હતા.
ડીસીપી લીના પાટિલે કહ્યું હતું કે,આ બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે તેમજ સરકાર અને એનજીઓ મારફતે તેમની માવજત કરી શિક્ષિત કરવામાં આવશે.બાળકોની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવનાર છે.જેથી તે બાળ તસ્કરીનો ભોગ તો નથી બન્યો ને તે જાણી શકાશે.
વાલીઓનો વલોપાત,અમે ગરીબ છીએ..બાળકો વગર કેવી રીતે રહીએ
બાળ ભિક્ષુકોને સુધારવા માટે આજે વડોદરા શહેર પોલીસે રાખેલી ડ્રાઇવમાં ૩૯ બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.જેને પગલે પોલીસ ભવન ખાતે વાલીઓ ઉમટી પડતાં હૃદય વલોવતા દ્શ્યો સર્જાયા હતા.
પોતાના બાળકોને પોલીસ કેમ લાવી છે તેની તપાસ કરવા અને બાળકોને મળવા માટે દોડી આવેલા વાલીઓએ રોકકળ કરી મૂકી હતી.
વાલીઓ પોતાની સાથે આધાર કાર્ડ અને દાખલા જેવા પુરાવા લઇ આવ્યા હતા તેમજ પોલીસ તેમને કેમ મળવા દેતી નથી તેમ કહી વલોપાત કરી મૂક્યો હતો.તેમણે કહ્યું હતું કે,અમે ગરીબ છીએ તો શું થયું, બાળકો વગર અમને ચાલે તેમ નથી.