Get The App

MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવાનો વિરોધ, લોકો રેલી કાઢીને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવાનો વિરોધ, લોકો રેલી કાઢીને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા 1 - image


M S University Vadodara: એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓની અનામત બેઠકો ઘટાડવા સામે ભલે વડોદરા શહેરના ધારાસભ્યોએ પોતાના મોઢા પર ખંભાતી તાળા મારી રાખ્યા હોય પણ આ નિર્ણય સામે વડોદરાના નાગરિકોમાં વિરોધ વધી રહ્યો છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓએ આજે એક રેલી કાઢીને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યુ હતુ અને યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પૂર્વ વિદ્યાર્થીઓએ રેસકોર્સ સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી.

તેમનુ કહેવું હતું કે, પહેલા તો સરકારે કોમન એકટ થકી એમ.એસ.યુનિવર્સિટીની આગવી ઓળખ છીનવી લીધી છે અને હવે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બેઠકો 70 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવાનો યુનિવર્સિર્ટી સત્તાધીશોએ કારસો રચ્યો છે.

 પૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, વડોદરાવાસીઓ હંમેશા પોતાના સંતાનો એમ.એસ.યુનિવર્સિટીમાં ભણે તેવુ સ્વપ્ન જોતા હોય છે.આ વખતે તો ધો.12 કોમર્સ અને સાયન્સનું પરિણામ પણ ઉંચુ આવ્યુ છે ત્યારે વડોદરાના વિદ્યાર્થીઓ માટેની બેઠકો ઘટાડી દેવાના કારણે હજારો વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવો પડશે અને તેના કારણે વાલીઓ પર આર્થિક બોજો વધશે. જેથી વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે તે માટે કલેકટર અને સરકાર યુનિવર્સિટી વાઈસ ચાન્સેલરને આદેશ આપે.

કલેકટર કચેરીમાં રજૂઆત કરતા પૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, વડોદરાના વિદ્યાર્થીઓ વડોદરામાં નહીં ભણે તો ક્યાં ભણશે..કોમર્સમાં દર વર્ષે 10000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો પણ અચાનક જ વાઈસ ચાન્સેલરે આ ફેકલ્ટીમાં એફવાયની બેઠકો ઘટાડી નાંખી છે. આમ એફવાયબીકોમમાં બેઠકો વધારવામાં આવે તેવી પણ અમારી માંગ છે.

- વડોદરાના વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે ધારાસભ્યોનુ મૌનવ્રત

વડોદરાના વિદ્યાર્થીઓને થતા અન્યાયને ધારાસભ્યો ચૂપચાપ જોઈ રહ્યા છે. લોકોનું કહેવુ છે કે, એવી તો કઈ મજબૂરી છે કે, યુનિવર્સિટીમાં ચાલી રહેલી તાનાશાહી સામે ધારાસભ્યો એક હરફ ઉચ્ચારી રહ્યા નથી? આ પહેલા પણ કોમન એકટમાં એમ.એસ.યુનિવર્સિટીના સમાવેશ સામે, ગત વર્ષે એફવાયબીકોમની બેઠકો રાતોરાત ઘટાડી દેવાના નિર્ણય સામે પણ ધારાસભ્યોએ વિરોધ કર્યો નહોતો અને હવે તો વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવુ બની શકે છે ત્યારે પણ ધારાસભ્યોએ મૌન વ્રત ધારણ કરી રાખ્યુ છે.


Google NewsGoogle News