માંજલપુર બળાત્કારના કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે કમિશનરને રિપોર્ટ સુપરત
આરોપીને ફ્લાઇટમાં લાવવા માટે પોલીસે પીડિતા પાસે રૃપિયા લીધા હતા
વડોદરા, લગ્નની લાલચ આપીને મહિલાની સાથે શરીર સંબંધ બાંધનાર કોલકત્તાના આરોપીએ મહિલાની દીકરી સાથે પણ શારીરિક અડપલા કર્યા હતા. જે અંગે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં મહિલા પી.એસ.આઇ. સહિત અન્ય સ્ટાફ સામેની ખાતાકીય તપાસનો અહેવાલ પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવ્યો છે.
માંજલપુરની મહિલાએ પોતાની પર બળાત્કાર થયાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે પ્રસાદ કુમાર મંડલ, ઉં.વ.૫૦ ( રહે.વોર્ડ નંબર - ૭, ગરપરા, ગોબરડંગા, પ્રંગંસ, વે. બંગાલ) ને પકડી લાવી હતી. તેની ઓફિસ વેસ્ટ બંગાલ કલ્યાણી, બ્લોક એ, ૪૮ માં છે. ભોગ બનનાર પીડિતાએ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, મહિલા પીએસઆઇ આર.એન.ચુડાસમાએ મારી પાસેથી, આરોપીની ધરપકડ માટે ફ્લાઇટની ટિકિટ કલકત્તાથી અમદાવાદ બુક કરાવવા ૧.૫૫ લાખની માંગણી કરી હતી. આ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા ડીસીપી લીના પાટિલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પુરાવા એકત્રિત કર્યા પછી પ્રણવ મંડલ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ તેને કોલકત્તાથી પકડી લાવી હતી. જે હજી જેલમાં છે. ખાતાકીય તપાસ દરમિયાન ડીસીપી દ્વારા મહિલાના વકીલ, પી.એસ.આઇ., પોલીસ કોન્સ્ટેબલના નિવેદન લીધા હતા. આ ખાતાકીય તપાસનો અહેવાલ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને સુપરત કરી દેવામાં આવ્યો છે. આક્ષેપિતો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.