વડોદરાના વારસિયા વિસ્તારમાં 30 વર્ષ જૂની ગેસ પાઇપ લાઇનો બદલવાની કામગીરી
- 4.47 કરોડનો ખર્ચ થશે
- 35 કિ.મીનું ગેસ લાઈન નેટવર્ક નવું થતા પ્રેશરના પ્રશ્નો હલ થશે
વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરાના વારસિયા વિસ્તારમાં 4.47 કરોડના ખર્ચે 30 વર્ષ જૂની ગેસ પાઇપ લાઇન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં 3500 ડોમેસ્ટિક અને 20 કોમર્શિયલ ગેસ પાઇપલાઇન કનેક્શન છે. 35 કિલોમીટરના નેટવર્કમાં જૂની લાઈન બદલવાની કામગીરી બદલ લોકો પર કોઈ આર્થિક ભારણ પડવાનું નથી.
ગુજરાત વિધાનસભાના દંડકે આ કામગીરીના પ્રારંભ વખતે જણાવ્યું હતું કે અગાઉ લોકોની ફરિયાદ હતી કે આ વિસ્તારમાં ગેસ પ્રેસરના પ્રશ્નો છે. જે ધ્યાનમાં રાખીને ગેસ કંપનીને કહેતા કંપની દ્વારા હાલ શહેરમાં જૂની લાઈનો બદલવાનું કામ હાથ પર લેવાયું છે. ત્યારે વારસિયા વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે. કંપની સ્વખર્ચે આ કામ કરી રહી છે. આ વિસ્તારમાં જે લોકો પાસે ગેસ લાઇન નથી, તેઓને પણ લાઈન લઈ લેવા કહ્યું છે. કંપનીના માણસો લાઈન બદલવા જ્યારે ઘરે આવે ત્યારે સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નવી લાઈન નાખતા ગેસ પ્રેસરના પ્રશ્નો હલ થશે. તેમણે કહ્યું હતું કે શહેરમાં હાલ 2.40 લાખ ડોમેસ્ટિક ગેસ કનેક્શન છે. અને 40 સીએનજી સ્ટેશન છે. હાલ જૂની લાઈનો બદલીને નવું નાખવાનું કામ હાથ પર લીધું છે. હજુ થોડા સમય પહેલા જ છાણી વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે પાઇપ ગેસની લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને લીધે છાણીમાં આશરે 3000 ગેસ કનેક્શન આપી શકાશે. 23 કિલોમીટરના નેટવર્કની આ કામગીરી ત્રણ ચાર મહિનામાં થવાની છે. છાણી અગાઉ શહેર વિસ્તારમાં 9.50 કરોડના ખર્ચે જુની ગેસ લાઇન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં જૂની લાઈનો બદલવા પાછળ આશરે 9.50 કરોડનો ખર્ચ થનાર છે. માંડવી, મહેતા પોળ, વાડી, ગાજરાવાડી, ભુતડી ઝાપા, પાણીગેટ, કારેલીબાગ, ખારીવાવ રોડ, બાવામનપુરા વગેરે વિસ્તારમાં આ કામગીરીને લીધે આશરે 73 કિલોમીટરનું પાઇપલાઇનનું નવું નેટવર્ક આકાર લેવાનું છે. જેના લીધે 7000 કુટુંબોના કનેક્શનનો ફાયદો થશે, અને પ્રેશરની તકલીફ દૂર થશે.