વડોદરાના ફતેગંજમાં દિવસો સુધી લાઈનના લીકેજથી પાણી વેડફાયા બાદ અંતે રીપેરીંગ કામ શરૂ
Vadodara Water line Leakage : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ફાજલપુર ફ્રેન્ચ કુવાની 36 ઇંચ ડાયામીટરની ફીડર લાઇન પર પડેલા લીકેજથી હજારો લિટરના પાણીના વેડફાટ બાદ અંતે કોર્પોરેશનના તંત્ર દ્વારા આ જ સવારથી લીકેજ રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે બુધવારની વહેલી સવાર સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. લીકેજ રીપેરીંગની કામગીરીને લીધે આજે સાંજે અને આવતીકાલે સવારે શહેરના ઉત્તર ઝોનમાં આશરે ચાર પાંચ લાખ લોકોને બે ટાઈમનું પાણી નહીં મળે, અને ભર ઉનાળે પાણી વિના રહેવાનો વારો આવશે.
શહેરના ફતેગંજ બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક પાણીની આ લાઈન પર લીકેજ પડેલું હતું. આ લીકેજ છેલ્લા કેટલાક દિવસથી ચાલુ જ હતું. પરંતુ હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જો આ લીકેજ રીપેરીંગ કરવામાં આવે તો સૌ પ્રથમ પાણીની લાઈન બંધ કરવાથી તહેવારના દિવસોમાં જ પાણીની તકલીફ ઊભી થાય તેવી શક્યતા હતી. બીજું, દોડકા કુવા ખાતે પણ લાઈનની લીકેજ રીપેરીંગની અને ઇન્ટર કનેક્ટની કામગીરી કરવાની હોવાથી શટડાઉન લેવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને ફતેગંજની કામગીરી માટે શટડાઉન લેવાય તો પાણીની વધુ તકલીફ સર્જાય તેવી શક્યતા હતી. એ અગાઉ રાયકાનું લીકેજ રીપેરીંગ કરાયું હતું. આ બધા ટેકનિકલ કારણને ધ્યાનમાં રાખી ફતેગંજ લીકેજ રીપેરીંગની કામગીરીમાં વિલંબ થયો છે. જે સ્થળે લીકેજ થયું છે તે 15 ફૂટ ઊંડાઈમાં છે, ત્યાં જેસીબી થી ખોદકામ કરી લીકેજ થયેલા પાઇપલાઇનના પાઇપને બદલીને નવો નાખવામાં આવશે. આ કામગીરીને લીધે ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી ટાકીઓ જેવી કે, ટીપી-13 ટાંકી, છાણી 24 X 7, છાણી જકાતનાકા, સમા ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાકી અને પરશુરામ બૂસ્ટર તથા બકરાવાડી બૂસ્ટર ખાતેથી સાંજનાં સમયનું પાણી મેળવતા વિસ્તારમાં પાણી બંધ રહેશે. તા.3ના રોજ સવારનાં સમયમાં ઉક્ત ટાંકીના પાણી મેળવતા વિસ્તારોમાં પણ પાણી બંધ રહેશે.