ફતેગંજમાં 15 ફૂટની ઊંડાઈએ લાઈન લીકેજનું રીપેરીંગ છેલ્લા 26 કલાકથી ચાલુ
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ફાજલપુર ફ્રેન્ચ કુવાની 36 ઇંચ ડાયામીટરની ફીડર લાઇન પર પડેલા લીકેજ નું છેલ્લા 26 કલાકથી રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. વર્ષો જૂની પાણીની લાઈન ના ટી જોઈન્ટમાં લીકેજ છે અને આ લીકેજ પણ લાઈનની નીચેના ભાગમાં છે ,લાઈન જૂની હોવાથી વેલ્ડીંગ કરવાના લીધે પાઇપ ના બીજા ભાગને પણ અસર થાય છે ,એટલે નવી પ્લેટ ના સાંધા વગેરે મૂકીને કામગીરી કરવામાં હજી વિલંબ થશે .આમ તો આ કામગીરી આજ સવાર સુધીમાં પૂર્ણ થઈ જવાની ધારણા હતી ,અને સાંજના ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી થોડા સમય માટે આપવાનું કોર્પોરેશન એ આયોજન રાખ્યું હતું ,પરંતુ કામગીરીમાં હજુ વાર લાગતા તે જોતા સાંજના ઝોનમાં પાણી આપી શકાશે કે કેમ તે અનિશ્ચિત છે. કારણ કે એક વખત રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ ફાજલપુર ની આ ફીડર લાઈન ને ચાર્જ કરતા છ સાત કલાકનો સમય વીતી જશે. ગઈકાલ સવારે 10:00 વાગ્યાથી રીપેરીંગ કામ ચાલુ કર્યું છે. લીકેજ રીપેરીંગ ની કામગીરીને લીધે શહેરના ઉત્તર ઝોનમાં આશરે ચાર પાંચ લાખ લોકોને, ભર ઉનાળે બે ટાઈમ પાણી વિના રહેવાનો વારો આવ્યો છે. શહેરના ફતેગંજ બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક પાણીની આ લાઈન પર લીકેજ છેલ્લા કેટલાક દિવસથી ચાલુ જ હતું . લીકેજ 15 ફૂટની ઊંડાઈએ હતું, લીકેજ રીપેરીંગ માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે લીકેજ પાઇપના નીચેના ભાગમાંથી છે, જેના કારણે વધુ ઊંડાઈએ ખોદકામ કરીને રીપેરીંગ કામ કરવાનું નક્કી કરાયું હતું .આ કામગીરીને લીધે ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી ટાકીઓ જેવી કે, ટીપી- ૧૩ ટાંકી, છાણી ૨૪ X ૭, છાણી જકાતનાકા, સમા ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાકી અને પરશુરામ બૂસ્ટર તથા બકરાવાડી બૂસ્ટર ખાતેથી પાણી મેળવતા વિસ્તારોમાં પાણી ની તકલીફ ઊભી થઈ છે.