ગોરવા શાકમાર્કેટના 100થી વધુ વેપારીનું ભાડું બાકી : સીલ મારવાની કાર્યવાહી થશે

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ગોરવા શાકમાર્કેટના 100થી વધુ વેપારીનું ભાડું બાકી : સીલ મારવાની કાર્યવાહી થશે 1 - image


Vadodara News : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા ખાતેની શાક માર્કેટમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઓટલા ભાડા પદ્ધતિથી શાકભાજીવાળાને વર્ષો અગાઉ ફાળવવામાં આવ્યા છે. તાજેતરમાં શાકભાજીના 10 જેટલા ઓટલાનું ભાડું અનિયમિત હોવાથી પાલિકા તંત્ર દ્વારા પોટલાને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હજી પણ બાકી ભાડા અંગે વધુ ઓટલાને સીલ કરવામાં આવે એવી શક્યતા છે.

ગોરવા શાકમાર્કેટમાં બનાવવામાં આવેલા કુલ 160 જેટલા ઓટલાઓ પૈકી 100 જેટલા ઓટલાનું ભાડું બાકી છે. એમાંય કેટલાક ઓટલાધારકોનું પાંચ વર્ષનું ભાડું બાકી છે. ઓટલા ધારકોનું કહેવું એમ છે કે, ખંડેરાવ માર્કેટ, પાણીગેટ, કડક બજાર ખાતે પણ પાલિકા દ્વારા ઓટલા બનાવીને શાકભાજીવાળાને ભાડા પટેથી આપવામાં આવ્યા છે.  પરંતુ ગોરવાના ઓટલા ધારકોનું વાર્ષિક ભાડું રૂ.60 હજારથી રૂ.1.30 લાખ જેટલું છે. પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા ઓટલાનું ભાડું ગોરવા શાકમાર્કેટના ઓટલાના ભાડા કરતા ખૂબ જ ઓછું છે. જેથી ઓટલા ધારકો નિયમિત ભાડું ભરી શકતા નથી. આ ઓટલા ધારકો પૈકી 80 ટકા જેટલા ઓટલા ધારકોના ભાડા પાંચ વર્ષથી બાકી છે. ભાડા બાબતે અન્ય વિસ્તારના ઓટલાના ભાડા સંદર્ભે યોગ્ય નિર્ણય લેવા ઓટલા ધારકોની માંગ છે.

વધુ વાંચો : ચાર્જ નહીં ભરનારા ગોરવા શાકમાર્કેટના 10 જેટલા ઓટલાવાળાને પતરા મારીને સીલ કરાયા


Google NewsGoogle News