ટેકનોલોજી ફેકલ્ટીની ચાર લેબોરેટરીઓનું રૃા.૧.૩૫ કરોડના ખર્ચે રિનોવેશન થયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ૧.૩૫ કરોડ રુપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવેલી ચાર લેબોરેટરીનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
લેબોરેટરીના નવીનીકરણ માટેનુ ડોનેશન ફેકલ્ટીના જ બે પૂર્વ વિદ્યાર્થીઓએ સ્થાપેલી કંપનીઓ દ્વારા અપાયુ છે.આ ચારે લેબોરેટરી રિનોવેશન બાદ અદ્યતન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ઉપકરણો સાથે સજ્જ થઈ ગઈ છે.આ પૈકીની ત્રણ લેબોરેટરી કોમ્પ્યુટર સાયન્સ વિભાગની છે.ગુજરાતમાં સૌથી પહેલા કોમ્પ્યુટર સાયન્સનો બીઈનો કોર્સ ટેકનોલોજી ફેકલ્ટીમાં શરુ થયો હતો અને તેની ૧૯૮૨ની પહેલી બેચના વિદ્યાર્થી ગણેશ જિવાનીની કંપનીએ આ ત્રણ લેબોરેટરી માટે ૫૦ લાખનુ ડોનેશન આપ્યુ હતુ.
બીજી તરફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગની લેબોરેટરી પાછળ ૮૫ લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ રકમ પણ વિભાગના પૂર્વ વિદ્યાર્થી કેતન બક્ષીની કંપનીએ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ફેકલ્ટીને દાનમાં આપી છે.આજે આ ચારે લેબોરેટરીનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
આજના કાર્યક્રમમાં કેતન બક્ષીએ જાહેરાત કરી હતી કે, દર વર્ષે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના ૧૧ વિદ્યાર્થીઓને મારી કંપની નોકરી આપશે.સાથે સાથે ઉદ્યોગ જગતમાં થઈ રહેલા બદલાવોને ધ્યાનમાં રાખીને ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કેમિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો માટે તાલીમ કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવશે.