વડોદરાના ભૂતડી ઝાપાથી વારસિયા વિસ્તારમાં પાલિકાની કાર્યવાહી : તંબુ, શેડ, લારી ગલ્લા, ખાણી પીણીના ખુમચાનો સફાયો
Vadodara News : વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલ ભૂતડી ઝાપાથી ફતેપુરા ચાર રસ્તા અને વારસિયા આરટીઓ સુધીના ગેરકાયદે બનાવવામાં આવેલા આડેધડ શેડ, ગલ્લા, લારીઓ તથા દુકાનોના લટકણીયા પાલિકા તંત્રની દબાણ શાખાની બે ટીમો દ્વારા દૂર કરીને એક ટ્રક જેટલો માલ સામાન કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવવા આવ્યો છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે સતત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં પાંચ-પાંચ વાર આ વિસ્તારમાંથી દૂર કરાયેલા દબાણો વારંવાર પુન: ગોઠવાઈ જતા પાલિકાના અધિકારીઓ સામે જાતજાતના સવાલો ઉઠ્યા છે.
ભૂતડી ઝાંપા વિસ્તારથી ફતેપુરા ચાર રસ્તા થઈને છેક વારસિયા સુધીના વિસ્તારમાં અનેક ગેરકાયદે શેડ બનવા સહિત ખાણી પીણીની લારીઓ સહિત અન્ય અનેક લારીઓના દબાણો, સહિત ગલ્લાઓ અને દુકાનદારોના લટકણીયાથી રાહદારીઓને આવન જાવનમાં ભારે અગવડ પડતી હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. જોકે પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા આ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો છેલ્લા કેટલાક સમયમાં પાંચ-છ વખત હટાવવામાં આવ્યા હતા. આમ છતાં નજીવા સમયમાં જ તમામ દબાણો યથાવત ગોઠવાઈ જાય છે. જોકે દબાણ કરનારાઓનું એવું કહેવું છે કે અમે નિયમિત રીતે પાલિકામાં વહીવટી ચાર્જ કરીએ છીએ છતાં પણ અમારા દબાણ હટાવી લેવામાં આવે છે. આ વિસ્તારમાં ફરી એકવાર મોટા તંબુ, શેડ, લારી ગલ્લા તથા દુકાનોના લટકણીયા લટકતા હોવાથી પાલિકાની દબાણ શાખાની વિવિધ બે ટીમો વોર્ડ નંબર છ અને સાતમાં આજે સવારથી સ્થાનિક પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. વિસ્તારમાં બનેલા અનેક મોટા તંબુ, શેડ સહિત લારી ગલ્લા પથારાના દબાણો શહીત ખાણીપીણીના ખુમચા દબાણ શાખાની ટીમે હટાવ્યા હતા ત્યારે સ્થાનિક લોક ટોળા તમાશો જોવા એકત્ર થયા હતા. લોકોનું કહેવું છે કે અગાઉ પાંચથી છ વાર આ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા હતા પરંતુ દબાણ શાખાની ટીમ રવાના થાય કે તુરત જ ફરી એકવાર દબાણો થઈ જતા હોય છે. આ બાબતે સ્થાનિક અધિકારીઓની જવાબદારી બનતી હોવાનું પણ લોકમુખે ચર્ચાય છે. પાલિકા તંત્રની બે દબાણ શાખાની ટીમે વિસ્તારમાંથી એક ટ્રક જેટલો દબાણનો માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો.