વડોદરાના સંવેદનશીલ મચ્છીપીઠ વિસ્તારના ગેરકાયદે દબાણો હટાવતા ઉશ્કેરાટ : બે ટ્રક ભરી સામાન જપ્ત
Vadodara Demolition : ટ્રાફિકથી ધમધમતા સલાડવાડા વિસ્તારના લારી ગલ્લા શેડ સહિતના અનેક કાચા દબાણોનો પાલિકાતંત્ર દ્વારા સફાયો કરાયો છે. મચ્છીપીઠનો રસ્તો બંને બાજુથી બંધ કરીને અનેક લારી ગલ્લા શેડના દબાણો દૂર કરીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. તંત્રની આ કાર્યવાહી દરમિયાન ટોળેટોળા એકત્ર થતાં કારેલીબાગ પોલીસે સંયમ પૂર્વક કામગીરી કરી હતી. જોકે તંત્રની ટીમો ઘટના સ્થળેથી કાર્યવાહી આટોપીને પરત જતા જ તમામ દબાણો યથાવત થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સલાટવાડા વિસ્તારમાં નોનવેજ અને ઈંડાની અનેક લારીઓ ગલ્લા શેડ સાંજથી શરૂ થઈ જાય છે. જ્યારે સલાટવાડામાં ફૂટપાથ પર નોનવેજની લારીઓ અને ઈંડા-પુલાવની લારીઓ વેપાર ધંધા માટે ખડકાઈ જાય છે. ઉપરાંત ખાણીપીણી માટે આવતી વ્યક્તિઓના વાહનો ગમે તેવી રીતે પાર્ક થતા સલાટવાડા કારેલીબાગનો અડધો રસ્તો રોકાઈ જવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી પસાર થતા વાહનચાલકો પણ હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી. અનેક દબાણો આવી જ રીતે મચ્છીપીઠમાં પણ રોજિંદા થઈ જતા હોય છે. ઉપરાંત અતિ સંવેદનશીલ આ વિસ્તારમાં ખાણી પીણીની લારીઓ સહિત શેરના કારણે મોટાભાગનો રસ્તો દબાઈ જતા વાહનચાલકો આ રસ્તેથી મોટેભાગે પસાર થવાનું ટાળે છે. આ બાબતે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો પણ મળી હતી.
ખાણી-પીણીની લારી, ગલ્લા, શેડના દબાણો દૂર કરવાનો પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેથી એક બુલડોઝર બે-ત્રણ ટ્રકો સહિત દબાણ શાખાની બંને ટીમો આ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કરવા સમી સાંજ અગાઉ ત્રાટકી હતી. જેથી ગેરકાયદે દબાણો કરનારાઓમાં ભાગદોડ મચી હતી. મચ્છીપીઠનો રસ્તો બંને બાજુથી બંધ કરાવી દેવાયા બાદ કારેલીબાગ પોલીસ સ્ટાફને સાથે રાખીને દબાણ શાખાની બંને ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલાય લારી-ગલ્લા અને શેડના દબાણો દૂર કરીને માલ સામાન કબજે લેવાયો હતો.
આવી જ રીતે સલાટવાડા-કારેલીબાગના જાહેર રસ્તા પર નોનવેજ અને ઈંડા પુલાવની લારીઓ ફૂટપાથ પર ખડકીને દબાણ કરવામાં આવે છે. ઉપરાંત ગ્રાહકોના આડેધડ પાર્ક થતા વાહનોથી મોટાભાગના રોડ રસ્તા પણ રોકાઇ જતા ટ્રાફિકને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી ત્રાટકેલી દબાણ શાખાની બંને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પાલિકા તંત્રએ બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો.