શહેરમાં હવે પાણી પુરવઠો પૂર્વવત થઇ જતા રાહત
પાણીમાં ડહોળાશનું પ્રમાણ થોડુ ઘટયું, પણ લોકો પાણી ઉકાળીને ઉપયોગમાં લે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે સમગ્ર શહેરમાં પાણી પુરવઠો પૂર્વવત કરી દીધો છે.
બેત્રણ દિવસ અગાઉ કડાણા ડેમમાંથી આશરે ૮ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા મહીમાં ઘોડાપુર આવ્યું હતું.
નદીનું લેવલ ૨૫ મીટર ઊંચુ થઇ ગયું હતું. જેથી ફ્રેન્ચવેલની મશીનરી ડિસ્ટર્બ થઇ ગઇ હતી. પંપો બંધ કરવા પડયા હતા. જ્યારે સિંધરોટમાં તો વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને પંપો બંધ રહેતા પાણી વિતરણ થઇ શક્યું ન હતું. કોર્પોરેશનની ટીમે વીજ નિગમ સાથે સતત સંકલન સાધીને મશીનરી સહિતની કકામગીરી પૂર્ણ કરતા હવે ગઇકાલ સવારથી પાણી પુરવઠો ધીમે ધીમે ચાલુ કર્યા બાદ હવે આજથી પૂર્વવત થઇ ગયો છે.
પાણીમાં ડહોળાશનું પ્રમાણ ઘટયું છે, આમ છતાં લોકો પાણી ગાળીને ઠારીને ઉકાળીને પીવાના ઉપયોગમાં લે તે જરૃરી છે.