આર્કિઓલોજી વિભાગમાં ૩૦૦૦ વર્ષ કરતા જૂનો ઐતિહાસિક વારસો એક મહિનાથી ખુલ્લામાં

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
આર્કિઓલોજી વિભાગમાં  ૩૦૦૦ વર્ષ કરતા જૂનો ઐતિહાસિક વારસો એક મહિનાથી ખુલ્લામાં 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના બેઝમેન્ટમાં એક મહિના પહેલા વિશ્વામિત્રીના પૂરના પાણી ઘૂસી ગયા હતા.જેનાથી  બેઝમેન્ટમાં સચવાયેલા  ઐતિહાસિક અવશેષોને નુકસાન પહોંચાડયું છે.હાલમાં આ અવશેષોને બહાર કાઢીને ખુલ્લામાં મૂકવામાં આવ્યા છે.  હજારો વર્ષ જૂના ઐતિહાસિક વારસાને  ભવિષ્યમાં  કેવી રીતે અને ક્યાં સાચવવો તેની મૂંઝવણ ઉભી થઈ છે.

આર્કિઓલોજી વિભાગની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ફેકલ્ટીના સંશોધકો અને વિદ્યાર્થીઓએ વડનગર, દેવની મોરી, શામળાજી, બગસરા, નગવાડા, નાગેશ્વર, પ્રભાસપાટણ, સિકરપુર જેવા ડઝનબંધ સ્થળોએથી  ઉત્ખનન કરીને હજારો વર્ષ જૂના અવશેષો એકઠા કર્યા છે.આ પૈકી ઘણા ખરા અવશેષો ૩૦૦૦ વર્ષ જૂની હરપ્પા સંસ્કૃતિ સાથે તથા બૌધ્ધ સમયકાળ સાથે સંકળાયેલા છે.જેમાં માટીના અને પથ્થરના વાસણો, માટીના તથા પથ્થરના ઘરેણા, ઓજારો, પથ્થરના હથિયારો, મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે.

આર્કિઓલોજી વિભાગના ૮૦ ફૂટ લાંબા અને ૪૦ ફૂટ પહોળા બેઝમેન્ટમાં અવશેષો સાચવવામાં આવે છે.એક મહિના પહેલા વિશ્વામિત્રીના પૂરના પાણી આર્કિઓલોજી વિભાગના બેઝમેન્ટમાં પ્રવેશી ગયા હતા.સાત જેટલા શ્રમિકો અને બીજા  કર્મચારીઓ દ્વારા એક મહિનાથી ચાલી રહેલી સફાઈ હજી પૂરી થઈ નથી.બેઝમેન્ટમાંથી અત્યાર સુધી જે અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે તે પ્લાસ્ટિકના ક્રેટમાં અને વિભાગની લોબીમાં તેમજ બહાર મૂકવાની ફરજ પડી છે.એક મહિનામાં સંખ્યાબંધ વખત આ અવશેષો વરસાદમાં પલળી ચૂકયા છે.

જગ્યાના અભાવે બેઝમેન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

સૂત્રોનું કહેવું છે કે, બેઝમેન્ટની સાફ સફાઈ હજી કેટલાક દિવસ ચાલશે.એ પછી બેઝમેન્ટનો વ્હાઈટવોશ કરીને, ઉધઈની ટ્રીટમેન્ટ કરીને તેમજ તેમાં પ્રવેશવાના દરવાજા વોટર ટાઈટ કરીને ફરી આ અવેશેષો ત્યાં મૂકવામાં આવશે.એ પછી પણ ભવિષ્યમાં પૂર આવે તો પાણી બેઝમેન્ટમાં નહીંં પ્રવેશે તેની કોઈ ગેરંટી નથી.જોકે વિભાગ પાસે કે ફેકલ્ટી પાસે તેના સિવાય અત્યારે તો બીજો કોઈ વિકલ્પ નથી.

ભગવાન બુધ્ધના અવશેષો પહેલા માળે હોવાથી સલામત

આર્કિઓલોજી વિભાગમાં ભગવાન બુધ્ધના અવશેષો પણ સચવાયેલા છે.જોકે પૂરના પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચ્યા હતા અને આ અવશેષો પહેલા માળે વિશેષ પ્રકારના રુમમાં મૂકવામાં આવ્યા હોવાથી તે સલામત છે.૧૯૬૩માં દેવની મોરી સાઈટ પર ઉત્ખન્ન દરમિયાન આર્કિઓલોજી વિભાગના સંશોધકોને આ અવશેષો ધાતુથી બનેલા ડબ્બી જેવા એક પાત્રમાં સચવાયેલા મળ્યા હતા.આ પાત્ર પર લખાણ હતું કે, દશાબાલા શરીરા નિલાહાયા....જેનો અર્થ થતો હતો કે ભગવાન બુધ્ધના અવશેષોનું આ સ્થાન છે.

સંશોધકોએ ૫૦ જેટલી સાઈટસ પર ઉત્ખનન  કર્યું છે

આર્કિઓલોજી વિભાગના પૂર્વ હેડ પ્રો.અજિથ પ્રસાદનું કહેવું છે કે, ૧૯૫૩માં આર્કિઓલોજી વિભાગની સ્થાપના થયા બાદ અત્યાર સુધીમાં લગભગ ૫૦ જેટલી સાઈટસ પર વિભાગના સંશોધકોએ ઉત્ખનન કર્યું છે.જેમાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશની કેટલીક સાઈટસો પણ સમાવેશ થાય છે.અહીંયા જે અવશેષો મળે છે તે ફેકલ્ટીમાં લાવવામાં આવે છે અને મોટાભાગે બેઝમેન્ટમા જ સાચવવામાં આવે છે.વિદ્યાર્થીઓના આર્કિઓલોજીના વિષયો ભણાવવા માટે અવશેષો ઉપયોગમાં લેવાય છે.

પહેલી વખત ભૂખી કાંસના પાણી બેઝમેન્ટમાં પ્રવેશ્યા 

યુનિવર્સિટી કેમ્પસમાંની વચ્ચેથી ભૂખી કાંસ પસાર થાય છે અને તેના પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે.વિશ્વામિત્રીમાં પૂર આવ્યા બાદ ભૂખી કાંસના પાણી કેમ્પસમાં ફરી વળ્યા હતા અને તેમાં આર્કિઓલોજીના બેઝમેન્ટમાં પાણી પ્રવેશી ગયા હતા.પહેલી વખત એવું બન્યું છે કે, આર્કિઓલોજી વિભાગ સુધી પૂરનું પાણી આવ્યું હોય.ભૂતકાળમાં આવેલા પૂરમાં ક્યારે પણ બેઝમેન્ટમાં પાણી આવ્યું નહોતું.

સુરક્ષા માટે વધારાના સિક્યુરિટી ગાર્ડ મૂકવા ડીને પત્ર લખ્યો 

આર્ટસમાં સુરક્ષા વ્યવસ્થા અપૂરતી હોવાની ફરિયાદો વચ્ચે  આર્ટસ ફેકલ્ટીના ડીને  આર્કિઓલોજીના અવશેષોને બહાર મૂકવા પડયા હોવાના કારણે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને એક પત્ર લખીને  ૪ વધારાના સિક્યુરિટી ગાર્ડની તૈનાતી કરવાની માગ કરી છે.જેથી કરીને કોઈ અટકચાળા તત્વો ચેડા ના કરે.



Google NewsGoogle News