હરણી બોટ દુર્ઘટનાના બે મહિલા આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર
નેહા દોશી અને તેજલબેન દોશી લેકઝોનના કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટમાં પાંચ-પાંચ ટકાના ભાગીદાર છે
વડોદરા : હરણી લેકઝોનમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત ૧૪ના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટ અને ડોલ્ફિન એન્ટરટેઇન્મેન્ટના ૨૦ ભાગીદારો હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તે પૈકીના બે મહિલા ભાગીદારોએ કરેલી જામીન અરજી વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે.
ખડાયતા સમાજના આગેવાન અને વેપારી દિપનકુમાર દોશી (રહે. રાજેશ્વર પ્લેનેટ, ગદા સર્કલ પાસે, હરણી રોડ)એ પત્ની નેહા દોશી (ઉ.૩૫)ના નામે અને અન્ય એક ખડાયતા આગેવાન અને દાંતના ડોક્ટર આશિષ કુમાર દોશી (રહે. વ્રજ વિહાર સોસાયટી, હરણીરોડ)એ પણ પત્ની તેજલબેન (ઉ.૫૧)ના નામે લેકઝોનમાં પાંચ ટકાની ભાગીદારી રાખી હતી.
હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના બાદ નેહા દોશી અને તેજલબેન દોશીની પણ તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ધરપકડ કરવામાં આવી હતી આમ આ બન્ને બે મહિનાથી જેલમાં છે. બન્ને આરોપીઓએ એમ કહીને જામીન માગ્યા હતા કે તેઓ એક્ટિવ પાર્ટનર નથી અને દુર્ઘટના સાથે સીધો કે આડકતરો કોઇ સંબંધ નથી. જો કે સેશન્સ કોર્ટે આ કારણો માન્ય રાખ્યા નહતા.