પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરવા આદેશ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરવા આદેશ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં લેવાયેલા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થયેલા ૪૪ ઉમેદવારોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ૩૦ ઓક્ટોબરથી કે તેના પહેલા પૂરુ કરી દેવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટી ડીન્સને તાકીદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનુ પરિણામ બહુ ઓછુ આવ્યુ છે.પરીક્ષા આપનારા ૮૦૦ જેટલા ઉમેદવારો પૈકી ૪૪ જ આ ટેસ્ટ પાસ કરીને યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે ક્વોલિફાય થયા છે.

હવે તેમનુ રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને પીએચડી માટે ગાઈડ ફાળવવામાં આવશે.આ કામગીરી દરેક ફેકલ્ટીમાં દરેક વિભાગની ડિપાર્ટમેન્ટલ રજિસ્ટ્રેશન કમિટિ કરતી હોય છે.આ કમિટિની બેઠક બોલાવીને  વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન ૩૦ ઓક્ટોબર પહેલા પુરુ કરી દેવા માટે જણાવાયુ છે.

ધ્યાન ખેંચનારી વાત એ છે કે, પીએચડી એન્ટ્રસ પાસ કરનારા ૪૪માંથી ૩૩ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે.જ્યારે એસટી કેટેગરીમાંથી એક, એસસી કેટેગરીમાંથી ૧ એસઈબીસી કેટેગરીના ૩, ઈડબલ્યુ એસ કેટેગરીના પાંચ તેમજ દિવ્યાંગ કેટેગરીમાં એક ઉમેદવાર આ ટેસ્ટ પાસ કરી શક્યો છે.આમ આ વખતે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓનુ પીએચડીમાં પ્રતિનિધિત્વ ઘણુ ઓછુ રહેશે.

જોકે સત્તાધીશોએ નવા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે તો કાર્યવાહી શરુ કરી છે પણ પીએચડીના જે ૧૧૧ વિદ્યાર્થીઓના થિસિસ ધૂળ ખાતા પડી રહ્યા છે તેને તપાસવા માટેની પેનલને મંજૂરી આપવામાં આવી નથી રહી.પીએચડી કરતા વિદ્યાર્થીઓની કેરિયર ધૂળધાળી થઈ રહી છે પણ યુનિવર્સિટીમાં એક પણ ડીન કે અધ્યાપક આ બાબતે બોલવા માટે તૈયાર નથી.


Google NewsGoogle News