MSUમાં પીએચડીના વિદ્યાર્થીઓની માઠી દશા, રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી મહિનાથી બંધ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
MSUમાં પીએચડીના વિદ્યાર્થીઓની માઠી દશા, રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી મહિનાથી બંધ 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓને જ છાશવારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ મહિનાઓ સુધી પીએચડી સ્ટુડન્ટસના થિસિસ તપાસવા માટેની પેનલોને મંજૂરી નહીં અપાઈ હોવાનો વિવાદ થયો હતો ત્યારે હવે પીએચડી માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી મહિનાથી બંધ હોવાની વિગતો સપાટી પર આવી છે. 

યુજીસીના નવા નિયમ પ્રમાણે પીએચડીના રજિસ્ટ્રેશન માટે પીએચડી એન્ટ્રન્ટસ ટેસ્ટ પાસ કરવાની જરૂર નથી. નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા અનુસાર પહેલા યુનિવર્સિટીમાં આખુ વર્ષ પીએચડી રજિસ્ટ્રેશન કરવામાં આવતા હતા. જોકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે હવે માત્ર જૂન અને ડિસેમ્બર મહિનામાં જ પીએચડી રજિસ્ટ્રેશન કરવામાં આવશે તેવો આદેશ આપ્યો છે. બીજી તરફ જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે પણ યુનિવર્સિટી સત્તાધીશોએ પીએચડી વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.

જેના કારણે નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ કરીને એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરવા માંગતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. તેઓ ફેકલ્ટી ડીનો પાસે વારંવાર પૂછપરછ કરવા માટે જાય છે પણ ડીનો પાસે તેનો કોઈ જવાબ નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, વિલંબના કારણે કંટાળેલા વિદ્યાર્થીઓ હવે બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

પીએચડીના  વિદ્યાર્થીઓને જે પ્રકારે સમયાંતરે હેરાન કરાઈ રહ્યા છે તેના દૂરોગામી પરિણામો બહુ ગંભીર હશે તેવુ અધ્યાપકોનું માનવું છે. પીએચડી કરનારાઓની સંખ્યા ઓછી થઈ જવાથી યુનિવર્સિટીને બૌધ્ધિક નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ રિસર્ચ માટેની ગ્રાંટ ઓછી થવાથી અને પીએચડીની ડિગ્રી મેળવનારાઓની સંખ્યા પણ ઓછી થઈ જવાથી યુનિવર્સિટી નેક સહિતના રેન્કિંગ પર અકલ્પનીય અસરો પડવાની છે. જોકે કોમન એકટ લાગુ થયા બાદ હવે યુનિવર્સિટીમાં કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા સત્તાધીશોની આપખુદશાહી સામે કોઈ ડીન કે અધ્યાપક બોલવા માટે તૈયાર નથી.


Google NewsGoogle News