વડોદરા જિલ્લામાં 31 ડિસેમ્બર સુધીમાં પાંચ લાખથી વધુ અસંગઠીત શ્રમયોગીની નોંધણી
- સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે ઈશ્રમ પોર્ટલ તૈયાર કરાયું
- બાકી રહેલાઓને પોર્ટલ પર નોંધણી કરાવી દેવા સૂચના
વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
ભારત સરકારના અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ મુજબ રાજ્યના અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવાની રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી અંગેનું ઇ-શ્રમ પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
જેમાં તા.31/12/2023 સુધી વડોદરા જિલ્લામાં કુલ 5,07,172/- અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી થયેલ છે. ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ તા.31૧/03/2022 પહેલા જે કોઈ અસંગઠિત શ્રમયોગી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી કરાવ્યા બાદ તા.31/03/2022 કે તે પહેલા અકસ્માત થયેલ હોય અને તેમાં મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં સુંદર અસંગઠિત શ્રમયોગીઓને કે તેમના વારસદારને એક્સગ્રેશિયા લાભ મળવાપાત્ર થાય છે. ક્લેઈમની પ્રક્રિયા એક્સ ગ્રેશિયા મોડયુલ પોર્ટલ પર ઓનલાઈન કરવાની થાય છે .આ ક્લેઇમ અંતર્ગત આકસ્મિક મૃત્યુ તેમજ આકસ્મિક સંપુર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ.2 લાખ તેમજ આકસ્મિક આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂ.1 લાખની સહાય મળવાપાત્ર છે. વડોદરા જીલ્લામાં તા.3/12/2023ની સ્થિતીએ કુલ 4 મૃતક શ્રમયોગીઓ કે જેનું રોડ અકસ્માતમા તા. 31/03/2023 પહેલા મૃત્યુ થયેલ અને તેઓ દ્વારા જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરતા તેમના વારસદારોને ઇ શ્રમ એક્સગ્રેશિયા ક્લેમ મંજુર કરવામાં આવ્યો છે અને સહાય માટે સરકારમાં મોકલવામાં આવ્યા છે. અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા વધુમાં વધુ શ્રમયોગીઓ ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.