નવી વડસર સબ રજિસ્ટ્રાર કચેરી બનાવાતા નર્મદા ભવનમાં ખેતીની જમીન માટે દસ્તાવેજોની નોંધણીની કામગીરી બંધ

ખેતીની જમીનના દસ્તાવેજો હવે જે-તે વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરવાનો લેવાયેલો નિર્ણય

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
નવી વડસર સબ રજિસ્ટ્રાર કચેરી બનાવાતા  નર્મદા ભવનમાં ખેતીની જમીન માટે દસ્તાવેજોની નોંધણીની કામગીરી બંધ 1 - image

વડોદરા, તા.14 વડોદરા શહેર તેમજ તાલુકામાં બિનખેતી વગરની જમીનના દસ્તાવેજ માટે નર્મદા ભવનમાં અલગ સબ રજિસ્ટ્રારની કચેરીને બંધ કરી દઇ હવે ખેતીના દસ્તાવેજો જે તે વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની જમીનના દસ્તાવેજો જ્યાં થતા હતા ત્યાં નવી વડસર સબ રજિસ્ટ્રાર કચેરી શરૃ કરી દેવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે વિવિધ પ્રકારના દસ્તાવેજોની નોંધણી માટે વડોદરા શહેર તેમજ જિલ્લામાં ૧૫ સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. જેમાં ૮ કોર્પોરેશન વિસ્તારમાં તેમજ અન્ય ૭ તાલુકા કક્ષાએ છે. કોર્પોરેશન વિસ્તારમાં જે સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે તેમાં સિટિ, દંતેશ્વર, અકોટા, ગોરવા, બાપોદ, માણેજા, છાણી, વડસર તેમજ તાલુકા કક્ષાએ પાદરા, વાઘોડિયા, કરજણ, સાવલી, ડેસર, ડભોઇ અને શિનોર સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીઓ પૈકી એક કચેરી નર્મદા ભવનના પહેલા માળે છે. આ કચેરી હાલ વડસર સબ રજિસ્ટ્રાર કચેરી તરીકે ઓળખાય છે. તા.૧ જાન્યુઆરી પહેલાં આ કચેરી ખેતીલાયક જમીનના દસ્તાવેજ તરીકે ઓળખાતી હતી. અને આ કચેરીમાં ખેતીની જમીનના જ દસ્તાવેજો થતાં હતાં. જો કે સરકારના હુકમ મુજબ ખેતીલાયક દસ્તાવેજની નોંધણી માટેની કચેરી બંધ કરી તેના સ્થાને નવી વડસર સબ રજિસ્ટ્રાર કચેરી શરૃ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ખેતીની જમીનના દસ્તાવેજ માટેની ગ્રામ્ય કચેરીને વિઘટિત કરીને નવી વડસર કચેરી બનાવવામાં આવી હતી. ખેતીની જમીનના દસ્તાવેજો હવે જે તે વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ કરવાના રહેશે તેવા આદેશને પગલે હવે આ દસ્તાવેજો વિવિધ વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરીમાં થઇ રહ્યા છે.




Google NewsGoogle News