પોલીસ જવાને અગાઉની ફરિયાદ મામલે માતા પુત્રને માર મારી કારના કાચ તોડયા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
પોલીસ જવાને અગાઉની ફરિયાદ મામલે માતા પુત્રને માર મારી કારના કાચ તોડયા 1 - image


સુઘડની એટલાન્ટિસ પાર્ક વસાહતમાં રહેતા

ઘાયલોને સારવાર માટે ખસેડાયા ઃ મદદ માટે પહોંચેલા પાડોશીની કાર સાથે પણ અકસ્માત કર્યો ઃ અડાલજ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલી સુઘડની એટલાન્ટિસ પાર્ક વસાહતમાં રહેતા હેડ કોન્સ્ટેબલે અગાઉ થયેલી પોલીસ ફરિયાદમાં નિવેદન લખાવાના મામલે માતા પુત્રને માર મારી લોખંડના સળિયાથી કારના કાચ તોડી નાખ્યા હતા અને મદદ માટે પહોંચેલા પાડોશીની કાર સાથે પણ અકસ્માત સર્જી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે અડાલજ પોલીસે હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્ર સામે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સુઘડ ખાતે આવેલી એટલાન્ટિસ પાર્ક વસાહતમાં રહેતા અને પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં નોકરી કરતા તુષારભાઈ યશવંતભાઈ રાવલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાતના સમયે તેમની વસાહતમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારએ ફોન કરીને તેમને નીચે બોલાવ્યા હતા અને ત્યારબાદ આ વિજેન્દ્રસિંહે કહ્યું હતું કે હેતલબેન તન્નાએ કરેલી પોલીસ ફરિયાદમાં મારા વિરુદ્ધ નિવેદન કેમ લખાવી છે. જોકે તુષારભાઈએ નિવેદન નહીં લખાવી હોવાનું કહેતા વિજેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને તુષારભાઈને માર માર્યો હતો ત્યારબાદ તેની કારમાંથી લોખંડની સળીયો લઈ આવી હુમલો કરી દીધો હતો. જે સંદર્ભે તુષારભાઈએ તેમના પાડોશી યોગેન્દ્રભાઈ ઓઝાને આ સંદર્ભે જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ કરવા માટે જવા નીકળતા હતા તે સમયે તુષારભાઈના માતા ગીતાબેન પણ આવી પહોંચ્યા હતા અને વસાહતમાં બેઠા હતા તે સમયે વિજેન્દ્રસિંહ પરમાર તેમજ તેનો મિત્ર કુંજલ રાવલ ફરીથી ત્યાં પહોંચ્યા હતા અને હુમલો કરી દીધો હતો. જેથી તુષારભાઈની માતા ગીતાબેન વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આ દરમિયાન તુષારભાઈના પત્ની જ્યોતિકાબેન તેમજ યોગેન્દ્રભાઈના પત્ની તનુબેન વચ્ચે પડતા તેમને પણ લાફા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ સોસાયટીના સભ્યો દ્વારા ઘાયલ તુષારભાઈ અને તનુબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન યોગેન્દ્રભાઈ કાર લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા તે સમયે આ વિજેન્દ્રસિંહે તેમની કાર સાથે તેની કાર અથડાવીને લોખંડના સળિયાથી કારના કાચ તોડી નાખ્યા હતા. વસાહતમાં મારામારી કરીને ભય ઊભો કરનાર આ હેડ કોન્સ્ટેબલ તેમજ તેના મિત્ર સામે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. 


Google NewsGoogle News