કલોલના રીઢા બુટલેગરને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલી દેવાયો
લોકલ ક્રાઈમ બ્રાન્ચે કરેલી દરખાસ્તને મંજૂરી મળી જતા
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
આગામી સાત મેના રોજ ગાંધીનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી
માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી
સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી તંત્રની સાથે પોલીસ પણ કામે લાગી ગઈ છે અને કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતી હેતુથી અગાઉ પકડાયેલા ગુનેગારો સામે અટકાયતી પગલા
ભરવામાં આવી રહ્યા છે તો જિલ્લામાં રીઢા ગુનેગારો સામે પાસાનું હથિયાર ઉગામીને
તેમને જિલ્લા બહારની જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે ગાંધીનગર લોકલ
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કલોલ શહેરના જૂના ચોરા વિસ્તારમાં રહેતા રીઢા બુટલેગર સંદીપ
કનુભાઈ ધોબી સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને ગાંધીનગર જિલ્લા
મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ બુટલેગર સામે અટકાયતી
હુકમની બજવણી કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ગત
માર્ચ મહિના દરમિયાન જ આ બુટલેગર પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો મળી
આવ્યો હતો. હજી આગામી દિવસમાં પણ જિલ્લામાં આ પ્રકારના રીઢા ગુનેગારો સામે પાસા
દરખાસ્ત કરવામાં આવશે.