હોસ્ટેલમાં બર્થ ડે ઉજવતા કિશોરને રેક્ટરે માર્યો : મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
હોસ્ટેલમાં બર્થ ડે ઉજવતા કિશોરને રેક્ટરે માર્યો : મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો 1 - image


ગાંધીનગર શહેરના સેક્ટર-૨૩માં આવેલા કડી કેમ્પસમાં

વિદ્યાર્થીએ ઘરે જઇને પિતાને સઘળી હકિકત રજુ કરતા રેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરની સેક્ટર-૨૩માં આવેલા કડી કેમ્પસની બોઇઝ હોસ્ટેલમાં આઇટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા કરતા કિશોરની મિત્રો દ્વારા બર્થ ડે પાર્ટી ઉજવવામાં આવી હતી તે દરમ્યાન ગુસ્સે ભરાયેલા રેક્ટર અને તેના સાથીદારે બિભત્સ ગાળો બોલીને આ કિશોરને માર માર્યાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે સેક્ટર-૨૧ પોલીસે રેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, સિધ્ધપુરના ચંદ્રાવતી ગામે રહેતા સુરેશભાઇ પહાડજીભાઇ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો સગીર વયનો પુત્ર ગાંધીનગરના સેક્ટર-૨૩માં આવેલા કડી કેમ્પસના બોઇઝ હોસ્ટેલમાં રહીને આઇટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગઇકાલે રાત્રે તેઓ ઘરે હતા તે દરમ્યાન તેમનો પુત્ર દિવાળી વેકેશનમાં ઘરે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હોસ્ટેલમાં અન્ય મિત્રોનો બર્થડે હોવાથી ઉજવણી કરી રહ્યા હતા ઉજવણી કર્યા બાદ હોસ્ટેલના રેક્ટર અનિલભાઇ પટેલ તેમજ તેમની સાથે આવેલો એક શખ્સ અમને કેમ ઉંઘવા દેતા નથી, તમારા મા-બાપ સાથે આવું વર્તન કરો છો...? તેમ કહી ગાળો બોલી માર માર્યો હતો. જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. આ વાત સાંભળીને સુરેશભાઇએ પુત્રના મિત્રના ઘરે ગયા હતા અને તે દરમ્યાન તે કોઇની સાથે વાત કરતો ન હતો અને પુછપરછ કરતા તેણે પણ રેક્ટર અને મળતિયાએ માર માર્યો હોવાની વાત કરી હતી અને માથાના વાળ ખેંચીને રૃમમાંથી ઢસડીને માર માર્યો હતો. એટલુ જ નહીં, રેક્ટરે એવી પણ ધમકી આપી હતી કે આજે તો ઓછો માર પડયો છે હવે રૃમમાં સેલીબ્રેશન કર્યું છે તો હોસ્ટેલમાંથી કાઢી મુકીશ.હાલ આ મામલે સેક્ટર-૨૧ પોલીસે રેક્ટર અનિલ પટેલ તથા તેના સાથીદાર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News