ફાયર વિભાગમાં જ પ્રેક્ટિકલ વગર જ દસ કર્મચારીઓની ભરતી

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
ફાયર વિભાગમાં જ પ્રેક્ટિકલ વગર જ દસ કર્મચારીઓની ભરતી 1 - image


ગાંધીનગર કોર્પોરેશનમાં દલા તરવાડીની નીતિ !

રાજકોટ અગ્નિકાંડની ઘટનાઓ ભાગ પણ તંત્ર સુધરતું નથી પંપ ઓપરેટ કરતા આવડતું નથી તેવા ડ્રાઇવરો લેવાયા

ગાંધીનગર : એક બાજુ રાજકોટની આગની ઘટના બાદ સરકાર ફાયર વિભાગને વધુ મજબૂત બનાવવા માટે મથી રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રેક્ટીકલ વગર જ આઉટસોર્સિંગથી ૧૦ જેટલા કર્મચારીઓની ફાયર વિભાગમાં ભરતી કરી દેવામાં આવી છે. જે ડ્રાઇવરોને પંપ ઓપરેટ કરતા પણ આવડતું નથી તે ફાયર વાહન લઈને બનાવ સ્થળે પહોંચી જશે.

મહાનગરપાલિકામાં આમ તો કામગીરીનું ભારણ વધુ હોવાથી આઉટસોસગથી અવારનવાર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે પરંતુ આ ભરતી સગા વહાલાઓને સેટ કરવા માટે થતી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને પદાધિકારી અને અધિકારીઓ પોતપોતાના માણસોને સેટ કરવા માટે ભરતી કરાવતા હોય છે ત્યારે રાજકોટની ઘટના બાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકાનું તંત્ર સુધારવા માગતું નથી. કેમકે તાજેતરમાં જ ફાયર વિભાગમાં ૧૦ જેટલા કર્મચારીઓની આઉટસોસગથી ભરતી કરવામાં આવી છે. જેમાં સાત જેટલા ડ્રાઇવર અને ત્રણ ફાયરમેનનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ પાસે ફાયર વિભાગનો કોઈ અનુભવ છે કે નહીં તે અંગે કોઈ પ્રેક્ટીકલ પણ લેવામાં આવી નથી. કેમકે ડ્રાઇવર તરીકે ફરજ બજાવનાર કર્મચારીએ ફાયરનું વાહન લઈને ઘટના સ્થળે જવાનું હોય છે અને ત્યાં પંપ ઓપરેટ પણ કરવાનો હોય છે. ત્યારે હાલ કોર્પોરેશન તંત્ર એવો બચાવ કરી રહ્યું છે કે, આગામી દિવસમાં આ કર્મચારીઓની પ્રેક્ટીકલ પરીક્ષા પણ લેવામાં આવશે ત્યારે નોંધવું  રહેશે કે અગાઉ આઉટસોસગથી ભરતી કરવામાં આવેલા કર્મચારીઓની મહિનાઓ બાદ સ્વિમિંગની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં મોટાભાગના કર્મચારીઓને તરતા નહીં આવડતું હોવા છતાં હજી પણ તેમને છૂટા કરવામાં આવ્યા નથી કે તેમની સામે કોઈ પગલા પણ ભરાયા નથી.


Google NewsGoogle News