જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીની પ્રક્રિયા રદ કરાઈ
વડોદરાઃ રાજ્ય સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)દ્વારા તાજેતરમાં વિદ્યુત સહાયકની ૧૨૨૪ પોસ્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેના ભાગરુપે ૧૩ માર્ચના રોજ વિવિધ સર્કલ કચેરીઓ દ્વારા પોલ ટેસ્ટ અને તા.૯ સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.
આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સપાટી પર આવ્યા બાદ જેટો દ્વારા રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનની સમગ્ર ભરતી પ્રક્રિયા જ રદ કરી નાંખવામાં આવી છે.આમ વધુ એક સરકારી નોકરી માટેની પરીક્ષા લેવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે.
જેટકો દ્વારા કહેવાયુ છે કે, રાજકોટ-ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની કચેરીઓ દ્વારા યોજાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જેટકોના ધારાધોરણોનુ પાલન કરાયુ નહોતુ અને આ બાબતની રજૂઆત મળ્યા બાદ એક મકિટિ બનાવીને તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં રજૂઆત સાચી હોવાનુ બહાર આવ્યા બાદ ઉપરોક્ત ત્રણે ઝોનની વર્તુળ કચેરીઓના ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે છે.જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હોય તે ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરાશે.