વડોદરા શહેરમાં એક મહિનામાં ૨૦.૮૪ કરોડના બાકી વીજ બિલની વસૂલાત
વડોદરાઃ શહેરમાં વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકો પર મધ્ય ગુજરાત વીજ કંપનીની તવાઈ ઉતરી છે.છેલ્લા એક મહિનામાં વીજ કંપની દ્વારા આવા ૫૩૪૧૦ ગ્રાહકો પાસે ૨૦.૮૪ કરોડ રુપિયાના બાકી વીજ બિલની વસૂલાત કરવામાં આવી છે.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે માર્ચ મહિના સુધી વીજ બિલની રકમ વસૂલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વડોદરા શહેરમાં જ વીજ કંપનીન ૭.૪૦ લાખ જેટલા ગ્રાહકો છે.જેમને દર બે મહિને બિલ આપવામાં આવશે.વડોદરા શહેરના ગ્રાહકોનુ સરેરાશ વીજ બિલ ૧૨૦ કરોડ રુપિયાની આસપાસનુ રહેતુ હોય છે.
જોકે તેમાંથી એક ટકા જેટલી રકમ ગ્રાહકો ભરતા નથી અને તેની વસૂલાત કરવા માટે આમ તો બારે મહિના કાર્યવાહી ચાલતી હોય છે પણ નાણાકીય વર્ષ પૂરુ થવાનુ હોય ત્યારે બિલની રકમ ભરાવવા માટેની કવાયતને વધારે તેજ બનાવવામાં આવે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અત્યારે વીજ બિલ ના ભર્યુ હોય તેવા ગ્રાહકો સામે કાર્યવાહી કરવા માટે ૨૩૦૪ ટીમો બનાવવામાં આવી છે.આ ટીમો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને વીજ બિલ ના ભરાયુ હોય તેવા જોડાણો કાપી નાંખવામાં આવ્યા છે અને સાથે સાથે ૨૦.૮૪ કરોડની રકમની વસૂલાત કરવામાં આવી છે.એ પછી પણ હાલના તબક્કે ૧૩ કરોડ રુપિયાની વસૂલાત બાકી છે અને તેમાં ફેબુ્રઆરી અને માર્ચ મહિનાના વીજ બિલની રકમ પણ ઉમેરાશે.જોકે કુલ મળીને માર્ચ મહિનાના અંત સુધીમાં વીજ બિલની બાકી રકમ ઘટાડીને ૨ કરોડ રુપિયા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.