આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં રેકોર્ડબેર્ક ૪૫ ડિગ્રી ગરમી

તા.૨૬ સુધી ગરમીનો પારો ઉંચો રહેશે ઃ રાત્રિના તાપમાનમાં પણ વધારાથી લોકો હેરાન પરેશાન

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં રેકોર્ડબેર્ક ૪૫ ડિગ્રી ગરમી 1 - image

વડોદરા, તા.23 વડોદરામાં આજે ઉનાળાની ઋતુનો હોટેસ્ટ ડે નોંધાયો હતો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ ગરમીનો પારો  વધીને ૪૫ ડિગ્રી થતા શહેરીજનો આકરી ગરમીમાં તોબા પોકારી ગયા હતાં. ગરમ પવનોના કારણે બપોરના સમયે રોડ પર લોકોની પાંખી હાજરી ઉપરાંત રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં.

વડોદરામાં છેલ્લા બે સપ્તાહથી લૂ લાગે તેવી સખત ગરમીનો પારો લોકો અનુભવી રહ્યા છે. આ સપ્તાહના પ્રારંભમાં ૪૪ ડિગ્રીથી પણ વધુ તાપમાન એટલેક ૪૪.૨ ડિગ્રી નોધાયું હતું અને ગઇકાલે તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો જો કે આજે ગરમીના છેલ્લા ૨૦ વર્ષના રેકર્ડ તોડી નાંખ્યા હોય તેમ જણાય છે. આજે ચાલુ સિઝનની રેકોર્ડબ્રેક ગરમી નોંધાઇ હતી. આજે તાપમાન ૧.૬ ડિગ્રી જેટલું વધતા હવામાન વિભાગમાં ૪૫ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

ઉનાળાની ઋતુમાં પ્રથમ વખત સૌથી વધારે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ગરમ પવનોના કારણે ગરમીનો પારો ઊંચો પહોંચ્યો હતો અને સખત ગરમીની અનુભૂતી શહેરીજનોને થતી હતી. શહેરના માર્ગો પર ઉપરથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ લોકોને થતો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષના ગરમીના આંક પર નજર રાખીએ તો છેલ્લા વર્ષ-૨૦૧૯માં ૪૪.૪ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ વર્ષ-૨૦૨૨માં ૪૩.૬ ડિગ્રી હતી. ચાલુ વર્ષે ગરમીના રેકર્ડ રોજે રોજ તોડાતા હોય તેમ સતત પારો ઉંચે ચડતો જણાતો હતો. તીવ્ર ગરમીના કારણે સમગ્ર શહેર હીટવેવમાં લપેટાઇ ગયું હતું. આગામી ત્રણ દિવસ પણ સખત ગરમી રહેશે ત્યારબાદ ૪૦ ડિગ્રી સુધી ગરમી જળવાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં  મહત્તમ ૧.૬ ડિગ્રી ગરમી વધીને આજે ૪૫ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ ગરમીનો પારો પણ ઉંચો ૩૧.૨ ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૪૮ અને સાંજે ૨૦ ટકા નોંધાયું હતું જ્યારે પશ્ચિમના ગરમ પવનની ગતિ પ્રતિ કલાક ૧૧ કિલોમીટર હતી. હવામાનખાતાએ જણાવ્યું હતું કે તા.૨૬ સુધી દિવસની સાથે રાત્રે પણ ગરમીનો પારો ઉંચો  રહેશે. જો કે આખા દિવસની ભીષણ ગરમી બાદ રાત્રે ખુશનૂમા પવન નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.




Google NewsGoogle News