હીટવેવના કારણે વડોદરામાં રોજ રેકોર્ડબ્રેક 700 જેટલા એસીનું વેચાણ
વડોદરાઃ સમગ્ર ગુજરાત હીટવેવના કારણે અગનભઠ્ઠી બની ગયુ છે.દિવસે તો ઠીક, રાત્રે પણ ગરમીથી રાહત મળતી નથી.ગરમીના અભૂતપૂર્વ પ્રકોપે વડોદરામાં એસીના વેચાણના પણ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના લગભગ ૭૦૦ જેટલા એસી વેચાઈ રહ્યા છે.
ઈલેક્ટ્રોનિક્સના શો રુમો પર રોજ સવારથી જ એસી ખરીદવા માટેની ઈન્ક્વાયરી સાથે લોકો આવી રહ્યા છે.એસીના વેચાણમાં આ હદે ધરખમ વધારો થશે તેવુ વેપારીઓએ પણ કદાચ પહેલા નહોતુ વિચાર્યું.
વડોદરામાં એસીનુ વેચાણ કરતી લગભગ ૧૫૦ દુકાનો અને શો રુમો છે.વડોદરાના બરોડા ઈલેક્ટ્રોનિક્સ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ જાસ્મીન પટેલ કહે છે કે, ઉનાળાની ગરમીમાં સામાન્ય રીતે ૨૦૦ થી ૨૫૦ જેટલા એસી રોજ સરેરાશ વેચાતા હોય છે પણ તા.૧૨ મે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે.છેલ્લા કેટલાક દિવસોથી અમારા અંદાજ અનુસાર વડોદરામાં રોજ ૭૦૦ જેટલા એસી વેચાઈ રહ્યા છે.એસી માટે આ પ્રકારની ઘરાકી અગાઉ ક્યારેય નથી જોઈ.
તેમના કહેવા પ્રમાણે કેટલીક જગ્યાએ તો એસીની ડિલિવરીમાં પણ એક કે બે દિવસ લાગે છે અને એસી ફિટ કરવા માટે બે થી ત્રણ દિવસ રાહ જોવી પડે છે.કારણકે એસી ફિટિંગ કરનારા કારીગરો પર પણ એટલુ જ કામનુ ભારણ છે.
વેપારીઓના કહેવા અનુસાર એસી ખરીદનારાઓમાં ઘણા ગ્રાહકો તો એવા પણ છે જેમને એસી પરવડે તેમ નથી પણ નાછૂટકે ગરમીના કહેરના કારણે તેઓ એસી ખરીદવા માટે દુકાનો પર આવી રહ્યા છે.એક રાહતની વાત એ છે કે, એસીના ભાવમાં ગત વર્ષના મુકાબલે ખાસ વધારો થયો નથી.