વિદ્યાર્થિનીની હત્યા કરનાર આચાર્યને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન નાનકડા ગામમાં લોકોના ટોળા ઉમટયા
એક કલાક સુધી રિકન્સ્ટ્રક્શનની ડ્રોન સાથે વીડિયોગ્રાફી કરવામાં આવી
લીમખેડા તા.૨૫ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં અભ્યાસ કરતી માસૂમ બાળકીની છેડછાડ કરી હત્યા કરનાર આચાર્યની ધરપકડ બાદ રિમાન્ડ મેળવ્યા હતાં. પોલીસે આજે આચાર્યને બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા લોકોના ટોળા ઉમટી પડયા હતાં.
તોયણી પ્રાથમિક શાળાની માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ બાદ કરેલી હત્યાની ચકચારી ઘટનાનો આરોપી આઘેડ આચાર્ય ગોવિંદ છગન નટને દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી હત્યારો અન્ય કોઈ ગુનાહિત કૃત્યમાં સંકળાયેલ છે કે કેમ તેમજ હત્યાની ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
દાહોદ પોલીસે આચાર્યને સાથે રાખી આજે સમગ્ર બનાવનું ઘટનાસ્થળ પર જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. લીમખેડાથી હત્યારા ગોવિંદ નટને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારે પોણા દશ વાગે સિંગવડના તોયણી ગામે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી શાળાએ જવા માટે ગોવિંદ છગન નટે ગાડીમાં બાળકીને બેસાડવામાં આવી હતી તે સ્થળેથી લઈને શાળામાં પહોંચતા પહેલા ગાડીમાં શું ગતિવિધિ કરી તેમજ શાળામાં ગાડી રોજબરોજ પાર્ક કરતો હતો તે જગ્યાએ પાર્ક કરી તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.
શાળાના તમામ કર્મચારીઓ અને બાળકો પોતાના ઘરે જતા રહ્યા બાદ પાર્ક કરેલી ગાડી શાળાના કમ્પાઉન્ડમાં નીચે ઉતારી દરવાજો ખોલી કઈ રીતે ઊંચકીને બાળકીની લાશને શાળાના પાછળના ભાગે કમ્પાઉન્ડની અંદર તેમજ દફતર અને ચંપલ બાળકીના અભ્યાસ કરવાના રૃમની બહારના ખૂણામાં કેવી રીતે મૂક્યા છે તે તમામ બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. એક કલાક સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનનું પોલીસે ડ્રોન સાથે વીડીયોગ્રાફી કરવામાં આવી હતી.