પાવાગઢ મંદિરમાં ચોરી કરનાર આરોપી પાસે રિકન્સટ્રક્શન કરાવાયું
જે ટ્રકમાં દાગીના છુપાવ્યાં હતાં તે ટ્રક નેત્રંગના વિશ્વાસ ગરેજમાંથી કબજે કરાઇ
હાલોલ . સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ સ્થિત શ્રી મહાકાલી માતાજીના ગર્ભગૃહમાં ઉતરીને માતાજીના શણગાર કરેલા અમૂલ્ય સોનાના ૬, હારની ચોરી કરનાર આરોપીને મંદિરે લઇ જઇ પોલીસ દ્વારા રિકન્સટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. તેમજ જે ટ્રકમાં દાગીના સંતાડયા હતા. તે ટ્રેક પણ કબજે લેવામાં આવી છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તા.૨૮મીના રોજ વહેલી સવારના અંધકારમાં ખીણના માર્ગે આવેલ પાઈપ લાઈનના સહારે સિક્યુરિટી જવાનોની ગેરહાજરીનો લાભ લઈને મંદિર પરીસરમાં માસ્ક પહેરીને ઘુસેલો વિદુર વસાવા ગર્ભગૃહના દ્વાર ખોલવામાં સફળ થયો નહતો. ત્યારબાદ ગર્ભગૃહના દ્વારા ઉપર રાખવામાં આવેલા બે વેન્ટિલેટરો પૈકી જમણી તરફ આવેલા ૧૫, ફુટ જેટલા ઉંચાઈ ધરાવતાં વેન્ટિલેટરનો એક્સેસ ફેન કાઢીને ચોર ગર્ભગૃહમાં ઉતર્યો હતો. તેણે માતાજીના શણગારના સોનાના ૬ હારની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનામાં પાવાગઢના પી.આઈ. દ્વારા ૩૦ જેટલા પોલીસ સ્ટાફની ટીમ આરોપી વિદુર વસાવાને લઈને મહાકાલી માતાજીના મંદિર ખાતે ગઈ હતી. ગુનાની શરૃઆતથી અંત સુધીના ચોરીના બનાવનું રિકન્ટ્રક્શન કરાવીને સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે પાવાગઢ પોલીસની એક ટીમ દ્વારા વિદુર વસાવાએ જે ટ્રકમાં માતાજીના શણગારના હાર અને મુગટો છુપાવ્યાં હતાં તે ટ્રકને નેત્રંગમાંથી વિશ્વાસ ગરેજમાંથી મુદ્દામાલ તરીકે કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.