તરસાલી લૂંટ વીથ મર્ડરના કેસના આરોપી પાસે રિકન્સટ્રક્શન કરાવ્યું
બાયોલોજીમાં પ્રેક્ટિકલ કરવા માટે સર્જીકલ બ્લેડ જોઇએ છે, તેવું કહીને મિત્રની માતા પાસે સયાજીમાંથી મંગાવી હતી
વડોદરા,તરસાલીની ભાઇલાલ પાર્ક સોસાયટીમાં થયેલા લૂંટ વીથ મર્ડરના કેસમાં પકડાયેલા આરોપી વિશાલ સરોજની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજે પોલીસે બે કલાક સુધી તેની પાસે સમગ્ર ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. તેની વીડિયોગ્રાફી પણ કરવામંા આવી હતી.
સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં ૭૩ વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.૭૧) એકલા રહે છે. ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. તેમના પાડોશમાં રહેતા વિશાલ દિપકભાઇ સરોજે તેમના ઘરની લાઇટો બંધ કરી દેતા ૭૦ વર્ષના સુખજીતકૌર ઉઠીને ઘરની બહાર આવ્યા હતા. વિશાલે તેમના ગળા પર સર્જીકલ બ્લેડથી ઇજા પહોંચાડી હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા. પોલીસે વિશાલને ઝડપી પાડયો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એન. પરમારે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. બે કલાક સુધી ચાલેલા રિકન્સટ્રક્શનની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.
આરોપી વિશાલના મિત્રની મમ્મી સયાજી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. મારે બાયોલોજીના પ્રેક્ટિકલ માટે સર્જીકલ બ્લેડની જરૃરિયાત છે. તેવું કહીને આરોપીએ મિત્રની મમ્મી પાસે બ્લેડ મંગાવી હતી. તેના વડે જ ેતેણે સુખજીતકૌરની હત્યા કરી હતી. વધુમાં વર્ષ - ૨૦૨૨ માં તેને ઉમા વિદ્યાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.