Get The App

વરસાદથી ખેતરોમાં તૈયાર મગફળીનો પાક કોહવાયો

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
વરસાદથી ખેતરોમાં તૈયાર મગફળીનો પાક કોહવાયો 1 - image


ખેડૂતો પાયમાલ : વરાપ નીકળતાં તૈયાર પાક ઉપાડી લેવામાં આવ્યા બાદ

સ્થાનિક સરકારી તંત્રો દ્વારા સર્વે કે સહાયના સંબંધમાં કોઇ તપાસ જ કરવામાં આવી નહીં હોવાથી ખેડૂત વર્ગમાં ફેલાયેલી નારાજગી

ગાંધીનગર :  જિલ્લામાં મગફળીનું વાવેતર કરનારા ઘણા ખેડૂતોએ રાતા પાણીએ રોવાની વેળા આવી છે. વરાપના દિવસો દરમિયાન તૈયાર થયેલી મગફળી ઉપાડી લેવામાં આવ્યા બાદ વરસાદ વરસવાના કારણે પાક બગડી જવાના કારણે આ સ્થિતિનું સર્જન થયુ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક સરકારી તંત્રો દ્વારા સર્વે કે સહાયના સંબંધમાં કોઇ તપાસ જ કરવામાં આવી નહીં હોવાથી ખેડૂત વર્ગમાં ભારે નારાજગી ફેલાઇ છે.

ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની ખરીફ મોસમ દરમિયાન ખેડૂતો દ્વારા ૧૬ હજાર હેક્ટર જેવા મોટા વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ હતું. જે આ વિસ્તારમાં લેવાતા મુખ્ય પાકોમાં વધુ વાવવામાં આવેલા પાકમાં ત્રીજા નંબરનું વાવેતર બની રહ્યુ હતું. પરંતુ મગફળી વાવ્યા બાદ અને પાક તૈયાર થઇ ગયા બાદ ઉતરતે ચોમાસે થયેલી ભારે ઝાપટાવાળીના પગલે ખેડૂતોએ પાયમાલી વેઠવાની આવી છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ પંથકમાં ૭,૧૯૮ હેક્ટર વિસ્તારમાં અને ગાંધીનગર તાલુકામાં ૬,૦૯૬ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થવાની સાથે માણસા તાલુકામાં પણ ૨,૫૫૨ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ મગફળી વાવી હતી. માત્ર કલોલ તાલુકામાં ૩૨ હેક્ટર જેવા ઓછા વિસ્તારમાં મગફળીનું વાવેતર થયુ હતું. પરંતુ જે ખેડુતો દ્વારા સમયસર વાવણી કરવામાં આવી હતી. તેમના પાક તૈયાર થઇ ગયા હતાં અને તાજેતરમાં મેઘરાજાએ કોરૃં કાઢતાં ખેડુતોએ મગફળી ઉપાડી લીધી હતી. સ્વાભાવિક રીતે પાક હજુ ખેતરમાં જ પડયો હતો અને તેમાં વરસાદ પડતાં આ મગફળી બગડી જવાથી ખેડૂતો માટે ક્યાંયના ના રહ્યાં જેવી સ્થિતિ સર્જાઇ છે.

બટાટાનું પણ વાવેતર કરતા ખેડૂતો કુદરતી કહેરના નિશાન

કૃષિ વિભાગના માર્ગદર્શન પ્રમાણે હવે ખેડૂતો એકથી વધુ પાક લેવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોએ સમયસર વાવેતર કરવા મગફળી તૈયાર થવાની સાથે જ વરાપ નીકળવાના પગલે મગફળી ઉપાડી લેવાની મહેનત કરવામાં આવી હતી. આમ કરવાથી બટાટાનું વાવેતર ટાણાંસર થઇ શકે તો તે પાકમાંથી પણ બે પૈસાનું વળતર સુઝે તેવો આશય હોય છે. પરંતુ આવા ખેડૂતો કુદરતી કહેરનો ભોગ બની ગયાં છે અને તૈયાર મગફળી ગુમાવવાથી મોટી આર્થિક નુકશાની વેઠવાની આવી છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખી રહ્યાં છે.

છેલ્લી રમઝટમાં માત્ર પાંચ ગામમાં ૮૦૦ વીઘામાં પાક બગડયો

રહી રહીને વરસાદ વરસવાના કારણે ગાંધીનગર તાલુકાના માત્ર ૪ જ ગામમાં ૬૫૦ વીઘામાં પાકેલા પાકનું ધનોત પનેત નીકળી ગયું છે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે મગોડી ગામ વિસ્તારમાં ૨૨૫ વીઘામાં, મોટા ચિલોડા વિસ્તારમાં ૧૮૦ વીઘામાં, મહુન્દ્રા વિસ્તારમાં ૧૪૫ વીઘામાં, ઇશનપુર વિસ્તારમાં ૧૦૦ વીઘામાં અને ધણપ ગામ વિસ્તારમાં ૯૦ વીઘામાં વાવવામાં આવેલી મગફળી તૈયાર થઇ જવાથી ખેડૂતો દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. હજુ તેની વીણી કરીને અલગ પાડીને વેચાણ કરવાની પ્રક્રિયા કરવામાં આવે તેના પહેલા વરસાદી રમઝટ મચી ગઇ હતી. 


Google NewsGoogle News