સ્ટુડન્ટસે બનાવી નવતર બૂક રીડિંગ એપ, વાચકો પુસ્તકના પાત્રો સાથે સંવાદ કરી શકાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ અને ઈલેક્ટ્રોનિકસ એન્જિનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ વાચનને વધારે રસપ્રદ બનાવવાના પ્રયાસરુપે એક નવતર પ્રકારની એપ તૈયાર કરી છે. આ એપમાં જે વિશેષતાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તેનાથી પ્રભાવિત થઈને એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ શરુ કરેલા એમએસયુ-વિઝન ૨૦૨૦ હેઠળ વિદ્યાર્થીઓની ટીમને બે લાખ રુપિયાનુ ફન્ડિંગ આપવામાં આવ્યુ છે.જેથી વિદ્યાર્થીઓને એપને લોન્ચ કરવામાં મદદ મળે.
ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા કોમ્પ્યુટર સાયન્સના આયેશા પટેલ, જય ફણસે અને મૈત્ર પટેલ તથા ઈલેક્ટ્રોનિક્સના અરુપ તરફદાર તેમજ મીત મોહિતેએ આ એપને બૂકી નામ આપ્યુ છે.ટીમની સભ્ય આયેશા પટેલ કહે છે કે, યંગ જનરેશન વાંચનથી દૂર જઈ રહી છે ત્યારે અમે આ એપ થકી તેમને વાંચન તરફ વાળવા માટે નવતર અનુભવ પૂરો પાડવા માંગીએ છે.એપમાં અમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે અને તેની મોટામાં મોટી વિશેષતા એ છે કે, એપ પર ડાઉનલોડ કરીને પુસ્તક વાંચનાર વ્યક્તિ પુસ્તકના મુખ્ય પાત્ર કે અન્ય કોઈ પાત્ર સાથે સંવાદ પણ કરી શકશે.પુસ્તક વાંચનાર વ્યક્તિ કોઈ સવાલ લખશે તો પુસ્તકનુ સબંધિત પાત્ર તેને એઆઈની મદદથી જવાબ પણ આપશે.એપ પર અમે રીચ ડેડ..પૂઅર ડેડ જેવા કેટલાક પુસ્તકોનો સફળ અખતરો પણ કર્યો છે.
આયેશા કહે છે કે, અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ રીડિંગ એપનો અભ્યાસ કરીને અમે તેમાં ના હોય તેવી તમામ ખાસિયતોનો ઉમેરો કર્યો છે.એપ ડેવલપ કરતી વખતે ફેકલ્ટીના જ પૂર્વ વિદ્યાર્થીઓ અને અમારા મેન્ટર રાજ જોષી તથા ઐશ્વર્યા મુંડલેએ અમને ઘણુ પ્રોત્સાહન આપ્યુ હતુ.અમે પુસ્તકો પ્રકાશિત કરતી વિવિધ પબ્લિકેશન કંપની સાથે જોડાણ કરીશું.જેથી તેમના પુસ્તકો અમારી એપ પર ઉપલબ્ધ રહે.સાથે સાથે બે ઈન્વેસ્ટર્સ સાથે પણ અમારા મેન્ટર્સ થકી અમે વાત કરવાના છે.બૂકી એપને અમે જાન્યુઆરી ૨૦૨૫માં લોન્ચ કરીશું.
ૅજેવો મૂડ હશે તેવું પુસ્તક એપ પર ઉપલબ્ધ થશે
વિદ્યાર્થિની આયેશા પટેલ કહે છે કે અમે બીજા પણ ઘણા રસપ્રદ અને રોમાંચક ફીચર એપમાં સમાવ્યા છે.જેમ કે
એઆઈ માર્કેટપ્લેસ નામના ફીચર પર જઈને વાંચક પોતાનો જે પ્રકારનો મૂડ હશે તે લખશે એટલે તેને તે પ્રકારના પુસ્તકોનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
અત્યારની યંગ જનરેશનમાં લોકપ્રિય સ્નેપ ચેટ પરથી પ્રેરણા લઈને એપ પર સ્ટ્રિક ફીચર પણ ઉપલબ્ધ થશે.જે વાંચકોને વધારે બૂક્સ વાંચવા માટે પ્રેરણા આપશે.જેના થકી કોઈ પ્રકારનો રિવોર્ડ પણ આપવા માટે ભવિષ્યમાં વિચારણા કરી શકાય તેમ છે.
પુસ્તકના પસંદગીના અઁશો પણ સોશિયલ મીડિયા પર અત્યારે પ્રચલીત રીલની માફક એપ પર ઉપલબ્ધ કરી શકાશે.
આ સિવાય પુસ્તકની સમરી, પુસ્તકના રીવ્યૂ, કોમેન્ટસ જેવી બેઝિક સુવિધાઓ તો એપ પર વાંચકોને મળશે જ.