પેટલાદમાં આરસીસી માર્ગની કામગીરી અઠવાડિયાથી ખોરંભે પડતાં લોકોને હાલાકી
ચીફ ઓફિસરને રજૂઆત કરવા ટોળા ઉમટયાં
રસ્તાની બાજૂમાં નીક બનાવવા અંગે સ્થાનિકો અને વેપારીઓમાં મતભેદથી કામગીરી અટકી પડી
આણંદ : પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં નાગરકૂવાથી રણછોડજી મંદિર સુધીનો માર્ગ ડામરના બદલે આરસીસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના માર્ગની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટેની નીકો અંગે વિવાદ વકરતા છેલ્લા એક સપ્તાહથી માર્ગનું કામ ખોરંભે પડયું છે. સ્થાનિક વેપારીઓ તથા રહીશો દ્વારા આ વિસ્તારમાં નીક બનાવવા તથા નહી બનાવવા અંગે પાલિકામાં લેખિત અરજી કરાતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરવા બંને પક્ષના ટોળા પાલિકા ખાતે ઉમટયા હતા.
પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાંથી નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીનો ડામર માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાતા નગરપાલિકાના ગત બોર્ડે રિસરફેસિંગ ગ્રાન્ટમાંથી આ રસ્તો આરસીસી બનાવવાનું મંજુર કરાયું હતું. અંદાજિત રૂા.૧૫ લાખના ખર્ચે ૩૧૦ મીટરની લંબાઈ સુધીના આ રસ્તાના કામની શરૂઆત થોડા સમય પૂર્વે કરાઈ હતી.
જે કામ ચાવડી બજાર સુધી પહોંચતા આગળના લગભગ ૨૦૦ મીટરના આરસીસી રસ્તા અંગે ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના માર્ગની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટેની નીકો અંગે વિવાદ સર્જાયો હતો. નીકો બનાવવાનું કામ અંદાજિત રૂા.૯ લાખના ખર્ચે યુડીપી ૮૮ની ગ્રાન્ટમાંથી મંજુર થયું હતું.
પરંતુ આ વિસ્તારના કેટલાક રહીશો અને દુકાનદારો નીકો બનાવવા તો કેટલાક નીકો નહી બનાવવાની તરફેણમાં હતા. જેથી સ્થાનિક વેપારીઓ અને રહીશોની હઠને કારણે છેલ્લા એક સપ્તાહથી આરસીસી રસ્તાનું કામ ચાવડી બજારથી ખોરંભે પડયું હોવાનું જાણવા મળ્યું છે.
જેથી અંબામાતા, નાગરકુવા, ઝંડાબજાર, ગાંધી ચોક વગેરે સહિતના વિસ્તારના નાગરિકોને અત્રેથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. સાથે સાથે હાલ આ માર્ગ ઉપર પાણીની લાઈનો તુટતા ઠેર-ઠેર પાણી ભરાવા સાથે ગંદકી ખડકાયેલ જોવા મળે છે.
આરસીસી રસ્તા અંગે સ્થાનિકોની હઠને કારણે હાલ કામ અટવાઈ પડતા અત્રેથી પસાર થતા નાગરિકોને હાલાકી વેઠવી પડતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેને લઈ બંને બાજુના સ્થાનિકો અને વેપારીઓએ પાલિકામાં લેખિત અરજી કરી રજૂઆત કરતા પાલિકા તંત્ર દોડતુ થયું હતું અને ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર સહિતનો કાફલો વિવાદવાળા સ્થળે પહોંચ્યા હતા અને ઈન્ચાર્જ ચીફ ઓફિસર વંદના મીણાએ નાગરિકોને હૈયાધારણા આપતા નાગરિકોના હિતમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. આ સમયે નવાપુરાના સ્થાનિક રહીશો, મહિલાઓ અને વેપારીઓએ હલ્લાબોલ કરતા જો બંને બાજુ નીકો ના બનાવવી હોય તો અમારી આરસીસી રસ્તો જોઈતો નથી તેવી રજૂઆત કરી હતી.
નીકના કારણે ગંદકી અને મચ્છરોના ઉપદ્રવનો ભય ઃ દુકાનદારો
આ અંગે પેટલાદના ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના માર્ગ ઉપર આવેલ કેટલીક દુકાનના માલિકોએ અહીં નીકોની કોઈ જરૂર નથી તેમ જણાવી વધુમાં ઉમેર્યુેં હતું કે, અગાઉ જે નીકો હતી તે થોડા સમય પૂર્વે પાલિકાએ પુરાણ કરી બંધ કરી દીધી હતી, તો હવે નીકોની કેમ જરૂર પડી ? તે પ્રશ્ન સર્જાયો છે. વધુમાં નીકો બનાવવાથી વરસાદી પાણીના નિકાલમાં વધુ તકલીફ પડવા સાથે ગંદકી થવાની તેમજ મચ્છરોનો ઉપદ્રવ થવાની પણ ભીતિ દુકાનદારોએ વ્યક્ત કરી હતી.