રાયણમાં ફળમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ હોય છે
- પક્ષીઓને પ્રિય એવું પિલુડીનું ફળમાં પેઢાને મજબૂત અને તંદુરસ્ત રાખવાની શક્તિ છે
વડોદરા, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર
રાયણ વૃક્ષને શુભ મનાતુ હોવાથી શુભ પ્રસંગે ગુજરાતી પરિવારો તેના ઘરના ઉંબરે રાયણની ડાળી બાંધે છે.રાયણનું વૃક્ષ જમીનમાંથી સૌથી વધારે પોષકતત્વો લેતુ હોવાથી તેના ફળમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ હોય છે. છાંયડો આપતુ ઘટાદાર આ વૃક્ષ તેમજ કોઠાના વૃક્ષો શહેરમાંથી લુપ્ત થઈ રહ્યા છે.
શહેરીજનો વિવિધ વૃક્ષોથી પરિચિત થઈ પર્યાવરણ વિશે જાગૃત થાય તે હેતુથી શહેરમાં વર્ષ ૨૦૦૬થી નેચરવોકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નેચરવોકની પ્રવૃતિમાં વધુ લોકો જોડાય તે હેતુથી બરોડા હાઈસ્કૂલ ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. ૭૫૦થી વધુ પ્રકૃતિપ્રેમીઓ દર વર્ષે ૫૦થી વધારે નેચરવોક કરે છે.
પર્યાવરણ પ્રેમી અરુણ મઝુમદારે કહ્યું કે, વડોદરા અને તેની આસપાસ ઘણા જોવાલાયક સ્થળો અને વનસ્પતિઓ છે. જેમકે ગોરજ ગામમાં લગભગ ત્રણ હજાર વર્ષ જૂનુ શિવ મંદિર દેવ નદીના કિનારે આવેલું છે. પૂરના કારણે આ મંદિર ધ્વસ્ત થઈ ગયું હોવાનું મનાઈ છે, જેની સાક્ષી પુરાવતા પથ્થરો આજેપણ નદીમાં જોવા મળે છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં રાખેલો પોઠિયો ખૂબ જ મોટો છે. પુરાતત્વ વિભાગ હેઠળ આવેલા આ મંદિરનું શવલિંગ તેઓએ કાયાવરોહણ સલામતરીતે મૂક્યું છે. ઉપરાંત ગોરજથી ૧૦ કિમી દૂર દેવ નદી ઉપર રાજસ્થાન જતી કેનાલ બાંધવામાં આવી છે અને આ કેનાલ ઉપર બ્રિજ બાંધેલો છે. આ ડબલ ડેકર બ્રિજ એન્જિનિયરોની અદભૂત કારીગરી છે.
પીલુડીના વૃક્ષ વિશે અરુણ મઝુમદારે કહ્યું કે, ઘેરા જાંબલી રંગના રાયના દાણા જેવા ફળ ધરાવતું પીલુડીનું વૃક્ષ સંસ્કૃતમાં મેસ્વાક અને મરાઠીમાં હિરામોતી નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે ઉગતા પીલુડી વૃક્ષના ફળમાં પેઢા મજબૂત કરવાની તાકાત છે. પીલુડીના ફળ શરુઆતમાં મીઠા અને છેલ્લે તીખા લાગે છે. પીલુડીનું વૃક્ષ પુષ્કળ પક્ષીઓનો આશરો છે તેમાં પણ ખાસ કરીને બુલબુલનું પ્રિય વૃક્ષ છે. શહેરમાં લાલબાગ તરફ જતા પેલેસના કમ્પાઉન્ડમાં અને એમ.એસ.યુનિ.માં સાયન્સ ફેકલ્ટી પાસે જોવા મળે છે.
નેચરવોકના સભ્યોએ શહેરમાં વર્ષોથી ઉભેલા અનેક ઐતિહાસિક વૃક્ષોને બચાવ્યા છે. પર્યાવરણ પ્રેમીઓએ કહ્યું કે, હવે અમે કોર્પોરેશનનો વિરોધ નહીં કરીએ તેઓ એક ઝાડ કાપશે તો અમે બે લગાવીશું જેની સાબિતીરુપે બે અઠવાડિયા પહેલા જ જેલ રોડ પર પર્યાવરણ પ્રેમીઓએ ૪૦થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું.