વડોદરામાં રવિવારે રથયાત્રા : ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે વિશાળ સ્ક્રીન લગાવાશે
ચાર ટેમ્પોમાં 35 ટન મહાપ્રસાદનું અને એક ટેમ્પોમાં તરૃ પ્રસાદ એટલે કે રોપાનું વિતરણ થશે, 300 સ્વયંસેવકો સેવામાં રહેશે
વડોદરા :ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. અષાઢી મેઘ ગર્જના કરતા હશે ત્યારે બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન દેવા માટે નગરયાત્રાએ નીકળશે. તે પૂર્વે આજે રથયાત્રાના આયોજકો અને પોલીસ તથા પ્રસાશન વચ્ચે સુરક્ષા અને આયોજન સંદર્ભે બેઠક મળી હતી જેમાં યાત્રાના રૃટથી લઇને તમામ બાબતોને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે યોજાતી આ રથયાત્રા બાબતે મંદિરના મહંત પૂ.નિત્યાનંદ સ્વામીએ કહ્યું હતું કે યાત્રાના એક દિવસ પૂર્વે તા.૬ જુલાઇ શનિવારે મોડી સાંજે ગોત્રી ઇસ્કોન મંદિરથી ભગવાનના રથનું પ્રસ્થાન થશે અને રાત્રે ૧૦ વાગ્યે રેલવે સ્ટેશન પાસે રથને રાખવામાં આવશે. રવિવારે સવારથી ઇસ્કોન મંદિરમાં વિવિધ અનુષ્ઠાનો સંપન્ન થયા બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે ખાસ વાહન દ્વારા ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના કાષ્ટની પ્રતિમાઓ રેલવે સ્ટેશન ઉપર પહોંચશે અને ત્યાં રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. અહી પૂજા અને આરતી બાદ પહિંદ વિધિ થશે અને બપોરે ૨.૩૦ વાગ્યે રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થશે. આ વખતે રથયાત્રા રવિવારને દિવસે હોવાથી ભક્તોનો ધસારો વધારે રહેશે તે અનુસંધાને સુરક્ષાના વ્યવસ્થા વધુ સબળ બનાવવામાં આવી છે.
દર્શન માટે ધક્કામુકી ના થાય તે માટે યાત્રામાં ડીઝિટલ ડિસપ્લે સાથે એક વાહન ચાલશે. વિશાળ સ્ક્રીન ઉપર ભક્તો શાંતિથી ભગવાનના દર્શન કરી શક્શે. ચાર ટેમ્પોમાં ૩૫ ટન શિરાના મહાપ્રસાદનું જ્યારે એક ટેમ્પોમાં તરૃ પ્રસાદ એટલે કે રોપાનું વિતરણ થશે. યાત્ર દરમિયાન મંદિરના ૩૦૦ સ્વયંસેવકો સેવામાં હાજર રહેશે.