રતન ટાટાએ કહ્યું હતું કે ભવિષ્ય ઇ-કોમર્સનું છે, વિદ્યાર્થીઓએ તે દિશામાં વિચારવું જોઇએ
સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા ૯ વર્ષ પહેલા વડોદરા આવ્યા ત્યારે આ વાત કહી હતી
વડોદરા : રતન ટાટા વડોદરામાં ૯ વર્ષ પહેલા આવ્યા હતા. તા.૧ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તેઓનું સયાજી રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું. એવોર્ડ સમારંભ બાદ તેઓએ વડોદરાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે રાખેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપ્યા હતા.
વડોદરાના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે સફળ થવા માટે કેટલાક સપનાઓનો ભોગ આપવો પડે
અન્ય એક સવાલનો જવાબ આપતા તેઓએ કહ્યું હતું કે 'એ વાત અતિશ્યોક્તિ છે કે માત્ર ટાટા ગૃપ જ સમાજ સેવા અને માનવતાના કાર્યો કર્યા છે. પરંતુ પ્રત્યેક ઉદ્યોગો આ સિધ્ધાંત અપનાવે તો ભારતની પ્રગતિને ગતિ મળે. પ્રગતિ માટે સિદ્ધાંતો મહત્વના છે.' હું વિદ્યાર્થીઓને આ ક્ષણે એક વાત કહીશ કે ભવિષ્ય ઇ-કોમર્સનું છે. તમારે એ દિશામાં વિચારવુ જોઇએ. સફળ થવા માટે કેટલાક સપનાઓનો ભોગ આપવો પડે છે.' આ સમયે એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે તમે વિદ્યાર્થી હતા ત્યારે ભણવામાં કેવા હતા તો રતન ટાટાએ જવાબ આપ્યો કે 'હું ભણવામાં ઢબ્બુ હતો'
વડોદરાના ગરબા મેદાનો ઉપર મૌન પાળીને રતન ટાટાને શ્રધ્ધાંજલિ અપાઇ
આઝાદી બાદ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા ટાટા જુથના રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે અવસાન થતાં તેના માનમાં વડોદરાના ગરબા આયોજકોએ મૌન પાડીને શ્રધ્ધાંજલિ આપી હતી.
યુનાઇટેડ વે અને લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબામા બુધવારે રાત્રે જ ગરબા પછી રાષ્ટ્રગાન બાદ બે મિનિટનું મૌન પાડીને રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમતા ગ્રાઉન્ડ ઉપર મા શક્તિ ગરબા મહોત્સવમાં, નવલખીમાં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં, સનફાર્મા રોડ ઉપર વાઇબ્રન્ટ વડોદરા નવરાત્રિમાં, કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે કારેલીબાગ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ એસોસિએશનના ગરબામાં આજે રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.