ઇવીએમ અને વીવીપીએટીની ફાળવણી માટે લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી માટે આજે રેન્ડમાઇઝેશન
કોમ્પ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન બાદ કાલથી ઇવીએમ અને વીવીપીએટીની વિધાનસભા બેઠક દીઠ ફાળવણી
વડોદરા, તા.3 લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન કરાવવાની પૂર્વ તૈયારીના ભાગરૃપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર-જિલ્લાના ૨૫૫૧ મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાનાર ઇવીએમ અને વીવીપીએટીનું કાલે રેન્ડમાઇઝેશન કરાયા બાદ પરમદિવસથી મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાનાર ઇવીએમ તેમજ વીવીપીએટીની દરજીપુરા ખાતેથી ફાળવણી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે સવારે કોમ્પ્યુટરાઇઝડ રેન્ડેમાઇઝેશન દ્વારા વડોદરા લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા બેઠકો તેમજ છોટાઉદેપુરની બે અને ભરૃચની એક બેઠક માટે ૨૫૫૧ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઇવીએમ અને વીવીપીએટીની ફાળવણી કરવામાં આવશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપીએટીના સુરક્ષિત સંગ્રહ માટે ચોકીપહેરા સાથેના સ્ટ્રોન્ગ રૃમ્સ બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૧૮ ટકા મતદાન યંત્રો અને ૧૨૨ ટકા વીવીપીએટી તકેદારીના રૃપમાં ફાળવવામાં આવે છે. ઇવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ૨૫૫૧ મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેન્સ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપીએટીની ફાળવણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઇવીએમ અને વીવીપીએટીનું ફરીથી સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારીત કરાશે.
આ વખતે લોકસભા બેઠક તેમજ વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી માટે પણ ઇવીએમ અને વીવીપીએટીનું રેન્ડમાઇઝેશન કરવામાં આવનાર છે.