રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ટાણે નીકળી રામચંદ્રજીની રેલી : અયોધ્યાથી લાવવામાં આવેલ ચરણ પાદુકાના દર્શનનો વડોદરાને લ્હાવો મળ્યો
- આજે સાંજે ઐયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે 1100 મહા આરતીનું આયોજન
વડોદરા,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરાના સમા વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી ભગવાન શ્રીરામની ચરણ પાદુકા અત્રે લાવવામાં આવી છે અને પાદુકા બગીમાં મૂકી તેના દર્શન કરાવવા સાથે વિશેષ રેલી યોજાઈ હતી.
અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે પેટ્રોવર્લ્ડ પ્રા.લી.ના રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલ તથા શનિ મિત્ર મંડળ દ્વારા એક વિશેષ રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેઓ અયોધ્યાથી ભગવાન શ્રીરામની ચરણ પાદુકા અત્રે વડોદરા લાવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે સમા ઐયપ્પા ગ્રાઉન્ડથી એક વિશેષ રેલી યોજાઈ હતી. ભગવાન શ્રી રામચંદ્રજીની વિશેષ રેલી ઐયપ્પા ગ્રાઉન્ડથી નીકળી ચાણક્યપુરી, અભિલાષા, મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ, કલ્યાણ હોલ, જલારામ મંદિર થઈ પુનઃ ઐયપ્પા ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. રેલીમાં અંદાજે 70 બાઈક અને 50થી વધુ ગાડીઓ સાથે 1000થી વધુ લોકો જોડાયા હતા. આ અંગે રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામના સનાતન ધર્મને ઉજાગર કરવાના પ્રયાસના ભાગરૂપે અમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિ:સ્વાર્થ ભાવના સાથે વધુમાં વધુ શહેરીજનો અને ધર્મપ્રિય લોકો રેલીમાં જોડાયા હતા. અયોધ્યાથી ભગવાન શ્રીરામની લાવવામાં આવેલી ચરણ પાદુકાના દર્શન કરી ધર્મપ્રિય લોકો ભાવવિભોર બન્યા હતા. રેલીમાં સાથે ઢોલ-બેન્ડ પણ જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ ઐયપ્પા ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું. સાંજે 1100 દિવાની મહા આરતી યોજાશે.