શ્રાવણની પુનમ અને સોમવારનો શુભ સમન્વય : મંદિરો ભક્તોથી ઉભરાયા
ભદ્રાકાળના કારણે રક્ષાબંધન બપોરે ઉજવાઇ મંદિરોમાં જલાભિષેક, દુગ્ધાભિષેક, રૃદ્રાભિષેક, લઘુ રૃદ્રી જેવા અનુષ્ઠાનો થયા
વડોદરા : આ વર્ષે શ્રાવણ અનેક વિશેષતાઓ લઇને આવ્યો છે. સોમવારથી શરૃ થયેલો શ્રાવણ સોમવારે પૂર્ણ થાય છે એટલે શ્રાવણ માસ દરમિયાન પાંચ સોમવાર આવી રહ્યા છે. તેમા પણ આજે પૂનમના દિવસે પણ સોમવાર હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. સાથે સાથે રક્ષાબંધનની પણ ઉજવણી થઇ હતી.
સોમવારનો મતબલ જ સોમ એટલે કે ચંદ્રનો દિવસ. ચંદ્રના દેવતા શિવ છે. પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલેલો હોય છે એટલે શિવ ભક્તિ માટે શ્રેષ્ઠ અને ઉત્તમ માનવમા આવે છે. આવો શુભ સમન્વય વર્ષો પછી આવતો હોય છે એટલે આજે શિવ ભક્તોએ શિવજીને પ્રસન્ન કરવા માટે જલાભિષેક, દુગ્ધાભિષેક, રૃદ્રાભિષેક, લઘુ રૃદ્રી જેવા અનુષ્ઠાનો કર્યા હતા. કાશી વિશ્વેશ્વર, કાશી વિશ્વનાથ, મોટનાથ, સિધ્ધનાથ, રામનાથ, ઠેકરનાથ, કામનાથ, ભીમનાથ, જાગનાથ અને કોટનાથ જેવા શહેરના પ્રતિષ્ઠીત અને પ્રાચીન શિવ મંદિરોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત રૃદ્ર અવતાર હનુમાનજીના મંદિરોમાં પણ ધસારો જોવા મળ્યો હતો.
હોટેલ - રેસ્ટોંરામાં પણ એક-એક કલાકના વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યા
શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધનની પણ ઉજવણી થાય છે. જો કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સવારના ભાગમાં ભદ્રાકાળ હોવાથી બપોરના ૨ વાગ્યા સુધી રક્ષા બંધનની ઉજવણી નિષેધ હતી એટલે સવારના સમયમાં લોકો શિવ પુજન અને દેવ દર્શન માટે મંદિરોમા ઉમટી પડતા વધુ ભીડ જોવા મળી હતી. બપોરે ૨ વાગ્યા બાદ બહેનોએ રાખડી બાંધીને ભાઇની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. એક સમય હતો કે રક્ષા બંધન પર્વ નિમિત્તે ઘરમાં સ્વાદિષ્ટ મિષ્ઠાનો સાથે રસોઇ બનતી હતી પરંતુ હવે હોટેલ-રેસ્ટોંરા અને ઓનલાઇન ફુડ ડિલિવરીનો જમાનો આવી ગયો છે એટલે આજે બપોરના ભોજન વખતે અને રાત્રી ભોજન વખતે હોટેલ-રેસ્ટોંરામાં પણ ભારે ભીડ હતી. એક-એક કલાકનું વેઇટિંગ લિસ્ટ હોવા છતાં લોકોએ રાહ જોઇ હતી.
વેદોક્ત મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ જનોઇ બદલી
શ્રાવણ માસની પુનમના દિવસને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના પવિત્ર દિવસે બ્રાહ્મણો યજ્ઞાો પવિત (જનોઇ) બદલે છે. વેદમાં દર્શાવેલી પધ્ધતિ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે જુની જનોઇનો ત્યાગ કરીને નવી જનોઇ ધારણ કરે છે. આ સમયે વેદોક્ત વિધિ પ્રમાણે અનુષ્ઠાન યોજાય છે અને ચોક્કસ પધ્ધતિ અને નિયમ સાથે જનોઇ બદલવામાં આવે છે વડોદરામાં કીર્તિ મંદિર, હરણી, પંડયા સંસ્કાર ધામ , માંડવી-કલ્યાણ પ્રસાદ હોલ, શેરખી ગાયત્રી આશ્રમ સહિત વિવિધ સ્થળોએ સામૂહિક જનોઇ બદલવાના કાર્યક્રમો બ્રહ્મ સમાજ દ્વારા યોજવામાં આવ્યા હતા.
વડોદરા એસ.ટી. ડેપોએ વધારાની 100 બસો દોડાવી
રક્ષાબંધનના કારણે વડોદરા એસ.ટી.ડેપો ખાતે પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. એસ.ટી.ડેપોના અધિકારીએ કહ્યું હતું કે દર વર્ષે તહેવારોમાં એસ.ટી. બસોમાં મુસાફરોનો ધસારો સામાન્ય કરતા ૨૫ થી ૩૦ ટકા વધી જતો હોય છે. રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને વડોદરાથી અમદાવાદ, સુરત, રાજકોટ, પંચમહાલ, દાહોદ વચ્ચે રવિવારે વધારાની ૫૦ બસો દોડાવવામાં આવી હતી. આજે પણ વધારાના ૫૦ બસો મુકવામાં આવી છે. આમ બે દિવસમાં વધારાની ૧૦૦ બસો ફાળવવામાં આવી છે જેથી મુસાફરોને સરળતા રહે.