સરહદ પર ફરજ બજાવતા જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે ૬૧૦૦૦ રાખડીઓ મોકલાશે
વડોદરાઃ સરહદ પર દેશવાસીઓ ની રક્ષામાં ખડેપગે રહેતા જવાનોનો આભાર માનવા તેમજ દેશની બહેનો તેમની પડખે છે તેવો મેસજ આપવા માટે આપવા તેમને રાખડી મોકલવાનું અભિયાન શહેરના શિક્ષક સંજય બચ્છાવે ૧૦ વર્ષ પહેલા ૭૫ રાખડીઓથી શરૃ કર્યુ હતુ.આ અભિયાન આજે ૬૧,૦૦૦ રાખડીઓ પર પહોંચ્યું છે.
સંજય બચ્છાવ તેમજ તેમને આ અભિયાનમાં મદદ કરતા તેમના ૨૦૦ જેટલા વર્તમાન તથા પૂર્વ વિદ્યાર્થીઓની ટીમને આ વર્ષે ૬૧,૦૦૦થી વધુ રાખડીઓ મળી છે .આ રાખડીઓના ૧૧ બોક્સ દેશમાં અલગ અલગ સરહદો પર ૧૧ સ્થળોએ આવતીકાલે, સોમવારે પોસ્ટ ઓફિસ ખાતેથી રવાના કરવામાં આવશે.આ રાખડીઓ કારગીલ, સિયાચીન, ગલવાન ઘાટી અરુણાચલ પ્રદેશની બોર્ડર, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર સહિતના ૧૧ સ્થળો પર પર તૈનાત સૈનિકોને મળશે
આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયા, દુબઇ, જર્મની, યુએસએ અને કેનેડા મળીને કુલ ૧૪ દેશ તથા ભારતના ૧૪ રાજ્યોના ૪૦ શહેરોમાંથમહિલાઓએ રાખડીઓ મોકલી છે.આ અભિયાનની શરુઆત થઈ ત્યારે પહેલા વર્ષ વિદ્યાર્થીઓ દ્વારા હાથે બનાવેલી ૭૫ રાખડીઓ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય રાજ્યો સહિત વિદેશમાં રહેતા ભારતીયો પણ આ અભિયાનમાં જોડાયા હતા.જેના કારણે ચોથા વર્ષે ૧૦,૦૦૦ , પાંચમા વર્ષ ૧૪,૦૦૦ છઠ્ઠા વર્ષે કોરોના સંક્રમણને પગલે ૧૨,૦૦૦ રાખડીઓ મહિલાઓએ મોકલી હતી.જે વડોદરાથી સરહદ પર રવાના કરાઈ હતી.આ વર્ષે ૬૧૦૦૦ થી વધુ રાખડીઓ મહિલાઓએ તેમજ સંસ્થાઓએ પણ મોકલી આપી છે.
દરેક રાખડી પાછળ મોકલનારનું નામ અને ફોન નંબર લખવામાં આવે છે. જેથી જવાનને કોણે રાખડી મોકલી તે ખબર પડે. રાખડી મળ્યા બાદ ઘણા જવાનો અને અધિકારીઓ રાખડી મોકલનાર મહિલાઓને આભાર માનતા સંદેશા પણ મોકલે છે તો કેટલાક જવાનો ફોન કરીને આભાર પ્રગટ કરે છે.કેટલાક કિસ્સામાં તો જવાનોએ રાખડી મોકલનાર બહેનોને ગિફટ મોકલી હોય તેવુ પણ બન્યુ છે.