રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે, વડોદરાને આઠ વર્ષથી ઠેંગો

વડોદરામાં 97 વર્ષથી એરપોર્ટ કાર્યરત છે, આંતરરાષ્ટ્રીય ટર્મિનલ 8 વર્ષથી કાર્યરત છતાં હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી નથી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે, વડોદરાને આઠ વર્ષથી ઠેંગો 1 - image


વડોદરા : ગત વર્ષે જ શરૃ થયેલા રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૃ કરવાની તૈયારીઓ આખરી ઓપમાં છે અને આ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બરની શરૃઆતમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડશે તેવી શક્યતાઓ છે. બીજી તરફ વડોદરામાં ૮ વર્ષથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટર્મિનલ બિલ્ડિંગ કાર્યકર છે પરંતુ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી નથી જેથી વડોદરાના લોકોમાં હવે સ્થાનિક નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરાની પ્રજાએ ચૂંટેલા નેતાઓની આંતરીક જુથબંધી અને હુંસાતુંસીના કારણે શહેરનો વિકાસ પાછલા બે દાયકાથી અટકી ગયો છે. તેની સરખામણીમાં એક સમયે વડોદરાથી પાછળ રહેલા સુરત અને રાજકોટ ખુબ આગળ નીકળી ગયા છે.વડોદરામાં ૮૭ વર્ષ જુનુ એરપોર્ટ છે. ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતુ. સરકાર ત્યારથી વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ ગણાવી રહી છે. પરંતુ ૨૦૧૬થી આજ સુદી એટલે કે ૮ વર્ષથી લોકોની માગ હોવા છતા વડોદરાને એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી નથી.

એર ટ્રાફિકની દ્રષ્ટિએ વાત કરીએ તો વડોદરા શહેર ઉપરાંત આણંદ, નડિયાદ, ગોધરા, ભરૃચ, અંકલેશ્વર, દાહોદ, રાજપીપળા, એકતાનગર (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)ના મુસાફરો વડોદરા એરપોર્ટ સાથે સીધા કનેક્ટ થાય છે એટલે જો ટૂંકા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દુબઇ, અબુધાબી, સિંગાપુર, બેંગકોક જેવા ડેસ્ટિનેશનો માટે ચલાવવામા આવે તો પુરતા પેસેન્જર મળી રહે તેમ છે. દુબઇ અને અબુધાબીથી લોકોને યુરોપ, યુ.કે., કેનેડા, યુએસએની કનેક્ટિંગ ફ્લાઇટ મળી જાય. વડોદરા એજ્યુકેશન હબ છે,  વડોદાથી ભરૃચ વચ્ચે ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ, ઇલેક્ટ્રિક્ટ ઉદ્યોગનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં એમએસએમઇ છે. વડોદરા આટલુ પોટેન્શિયલ હોવા છતાં વડોદરાને હજુ સુધી ઇન્ટરનેશન ફ્લાઇટ મળી નથી. તેની સામે હજુ ગત વર્ષે જ શરૃ થયેલા રાજકોટના હિરાસર એરપોર્ટમાં ઇન્ટનેશનલ ટર્મિનલ ખાતે ઇમિગ્રેશન ડિપાર્ચરના ૧૨ અને અરાઇવલના ૧૬ કાઉન્ટર તૈયાર કરી દેવાયા છે અને આ મહિનાના અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બરના પ્રારંભમાં દુબઇ કે સિંગાપુરની ફ્લાઇટ શરૃ કરવાની તૈયારીઓ શરૃ કરી દેવાઇ છે.


Google NewsGoogle News