વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગપુલ એક દોઢ મહિનામાં ચાલુ થઈ જાય તેવી શક્યતા
- ફિલ્ટર પ્લાન્ટનું કામ પૂરૂ
- હાલ મેન્ટેનન્સની કામગીરી ચાલુ
- કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં લીલની સમસ્યા હોવાથી થોડો સમય બંધ રાખી સફાઈ કાર્ય કરાશે
વડોદરા,તા. 27 ઓક્ટોબર 2021,બુધવાર
વડોદરા કોર્પોરેશનની સાંસ્કૃતિક અને રીક્રીએશનલ સમિતિએ આજે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગપુલની મુલાકાત લીધી હતી. આ સ્વિમિંગ પૂલ કોરોના સમય પૂર્વે એટલે મહિનાઓથી બંધ છે. હાલ સ્વિમિંગ પૂલ ખાતે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. સ્વિમિંગ પૂલ ખાતે ફિલ્ટર પ્લાન્ટની પણ સમસ્યા હતી અને તેના કારણે પાણી ચોખ્ખું આવતું ન હતું ,જેથી સ્વિમિંગ કરવા આવતા લોકો પણ ફરિયાદ કરતા હતા. ફિલ્ટર પ્લાન્ટની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.
જોકે ગયા વર્ષે કોરોનાના પ્રારંભ વખતે જ સ્વિમિંગ પૂલ બંધ હતો એ પછી કોરોના સમયમાં સ્વિમિંગ પૂલ બંધ રખાયા હતા. હવે સ્થિતિ સામાન્ય બની રહી છે, ત્યારે ફરી વાર સ્વિમિંગ કરવા આવતા લોકોને આ સ્વિમિંગ પુલ નો લાભ મળતો થાય તે માટે ચાલુ કરવા પ્રયાસ શરૂ થયા છે. એક દોઢ મહિનામાં ચાલુ થઈ જાય તેવી શક્યતા છે. સ્વિમિંગ પૂલ ઘણા મહિનાઓથી બંધ હોવાથી તેમજ મેન્ટેનન્સ ચાલતું હોવાથી પાણીમાં લીલ જામી ગઈ છે, અને પાણી પણ બંધિયાર થયું હોવાથી મેલુ બન્યું છે. આ સમિતિએ કારેલી બાગ સ્વીમિંગ પૂલની પણ મુલાકાત લીધી છે. અહીં પાણીમાં લીલની સમસ્યા છે અને સફાઈ કરવાની જરૂર હોવાથી થોડો સમય માટે સ્વિમિંગ પૂલ બંધ કરવો પડશે. આ માટે મંજુરી લીધા બાદ સફાઈ કાર્ય હાથ ધરાશે. હાલ લાલ બાગ સ્વીમિંગ પૂલ ચાલુ છે, જ્યારે સરદાર બાગ સ્વીમિંગ પૂલ કલોરીન પ્રશ્નએ એટલે કે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન હોવાથી બંધ છે. ફિલ્ટર પ્લાન્ટના બજેટનો પ્રશ્ન હોવાથી તેની કામગીરી શરૂ થઇ શકી નથી તેમ જાણવા મળ્યું છે.