Get The App

લુણાવાડામાં રાજગઢનો તલાટી રૃા.૭ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

મકાનની આકારણી કરી આપવા તલાટી પિયુષ પટેલે લાંચ માંગતા એસીબીની કાર્યવાહી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
લુણાવાડામાં રાજગઢનો તલાટી રૃા.૭ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો 1 - image

લુણાવાડા તા.૩૧ લુણાવાડા તાલુકાના રાજગઢ ગ્રામ પંચાયતનો તલાટી આકારણી કરવા માટે રૃા.૭ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

પ્રાપ્ત  વિગતો મુજબ લુણાવાડા તાલુકાના રાજગઢ ગામના રહિશે એક માળનું પાકું મકાન બનાવ્યું હતું. આ મકાન ઉપર રૃા.૭ લાખની લોન મંજૂર થઇ હતી. બેંક દ્વારા રૃા.૭ લાખના બોજાવાળા મકાનની આકારણીની માંગણી કરી હોવાથી રહિશ રાજગઢ તલાટી કમ મંત્રી પિયુષ મંગળભાઇ  પટેલ (રહે.જયશ્રીનગર  સોસાયટી, વરધરીરોડ, લુણાવાડા, મૂળ ગોલાના પાલ્લા તા.લુણાવાડા)ને મળ્યા હતા અને આકારણી કરવાની માંગણી કરી હતી.

તલાટીએ આકારણી કરી આપવા માટે રૃા.૭ હજાર લાંચની માંગણી કરી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા  મહીસાગર એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ આપવાના વાયદા મુજબ આજે રાજગઢ તલાટી પિયુષ પટેલ વરધરી રોડ, લુણાવાડા સ્વામિનારાયણ મંદિર સામે રાજ જનરલ સ્ટોર્સ કલર ઝેરોક્ષ ખાતે લાંચની રકમ લેવા આવ્યો હતો અને લાંચની રકમ લેતાં જ એસીબીએ રંગેહાથ તલાટીને ઝડપી પાડયો હતો.

લુણાવાડામાં એસીબીએ તલાટીને લાંચની રકમ સાથે ઝડપી પાડયો છે તે વાત ફેલાતા સરકારી કચેરીઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો  હતો. એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ તલાટી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News