વડોદરામાં વાતાવરણમાં પલટો : કેટલાક વિસ્તારમાં અમી છાટણા : સયાજી બાગ પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વાતાવરણમાં પલટો : કેટલાક વિસ્તારમાં અમી છાટણા : સયાજી બાગ પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું 1 - image


Vadodara Rainy Season : વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ગરમીનો પારો સડસડાટ નીચે ઉતરતા વરસાદી માહોલના ભણકારા વાગી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડતા હવે ગરમીથી રાહતના દિવસો દૂર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એક વરસાદી ઝાપટું પડી ગયા બાદ ચોમાસાની ઋતુનો શુભારંભ થયો હોવાનો આભાસ થયો હતો. પરંતુ ઝાંઝવાના જળની જેમ ક્ષણિક રાહત બાદ ગરમીનું સામ્રાજ્ય પુનઃછપાયું હતું અને બફારો પણ વધી ગયો હતો. પરંતુ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાવા સહિત ઠંડા પવન પણ માંડ્યા હતા. કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળાના કારણે વરસાદ તૂટી પડવાની એંધાણીઓ સર્જાઇ હતી. વહેલી સવારથી જ વાદળીયું વાતાવરણ સર્જાતા ફરી એકવાર વરસાદના આગમનની એંધાણીઓ વર્તાવા માંડી હતી.

વડોદરા શહેરના સોમા તળાવ, ડભોઇ વાઘોડિયા રીંગરોડ, પ્રતાપ નગર સહિતના વિસ્તારમાં ચોમાસાના આગમનની છડી પોકારવાના ઇરાદે અમી છાંટા પણ પડ્યા હતા. દરમિયાનમાં આજે સવારે ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હોવાના બનાવ બન્યા છે જેમાં સયાજી બાગ પાસે એક તુટિંગ વૃક્ષ તૂટી પડતા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હટાવવાની કામગીરી કરી હતી.


Google NewsGoogle News