વડોદરા : આજવા સરોવરમાં નવા નીર આવવાની શરૂઆત થઈ
- છેલ્લા 24 કલાકમાં આજવાની સપાટીમાં થોડો વધારો નોંધાયો
વડોદરા,તા.11 જુલાઈ 2022,સોમવાર
શહેરના પાણીના ઐતિહાસિક સ્ત્રોત આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં 0.10 નો વધારો થયો છે. આજે સવારે 6:00 વાગે આજવાની સપાટી 208 ફૂટ થઈ હતી. આમ, અજવામાં નવા નીરની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે સવારે આજવાની સપાટી 207.90 ફૂટ હતી, એ પછી આજવાના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આજવામાં નવા નીર આવવા શરૂ થયા છે. ઉપરવાસ પ્રતાપપુરામાં છેલ્લા 24 કલાકમાં 106 મીમી, હાલોલમાં 130 મીમી, ધનસરમાં 100મીમી વરસાદ થયો છે. આજવા સરોવર વિસ્તારમાં 109 મીમી વરસાદ નોંધાયો હતો. આજવા સરોવરમાં પાણી લાવતી ફીડર સવારે 6.50 ફૂટે ચાલુ હતી, એટલે કે આજવામાં પાણી સપાટી હજી થોડી વધશે. જોકે સવારથી આજવા અને ઉપરવાસમાં વરસાદે વીરામ લીધો છે. ચાલુ વર્ષે ઉનાળામાં આજવાનું લેવલ ઘટી જતા નર્મદાનું પાણી આજવામાં ભરવામાં આવ્યું હતું અને 29 દિવસ સુધી રોજ 60 ક્યુસેક પાણી લીધું હતું. તારીખ 25 જુને આજવા લેવલ 207. 40 ફૂટ હતું. આજવાથી રોજ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને 14. 5 કરોડ લિટર પાણી આપવામાં આવે છે.