વડોદરાના પૂર્વ વિસ્તારમાં હાઈ-વેનું વરસાદી પાણી રોકવા દરજીપુરા થી જામ્બુઆ સુધી ચેનલ થશે
વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર
વાઘોડિયા જંકશનથી એલ.એન્ડ.ટી કલવર્ટ સુધી નેશનલ હાઈવે સમાંતર વરસાદી ચેનલ બનાવવાના કામ માટે નેટ અંદાજિત રૂ.8.81 કરોડથી 6.51 ટકા ઓછા ભાવના આવેલા ટેન્ડરને બિનશરતીય રીતે મંજૂરી આપવા સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજુ કરાયું છે. ઉલ્લેખનીય છે કે આગામી તા.14મીએ સ્થાયી સમિતિની બેઠક સાંજે યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની પૂર્વ દિશા તરફ સુરત અમદાવાદ નેશનલ હાઇવે નં.48 પસાર થાય છે. શહેરી વિસ્તારમાંથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હાઇવે દ્વારા વિવિધ જગ્યાઓ પર ક્રોસિંગ કરવામાં આવેલ છે જેથી ચોમાસાની ઋતુમાં આ હાઈવેનું તેમજ હાઇવેના પૂર્વ વિસ્તાર તરફથી ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદી પાણી શહેરમાં આવે છે. ત્યારે હાઇ-વેના વિસ્તારમાંથી હાઇ-વેના તમામ ક્રોસિંગમાંથી આવતું વરસાદી પાણી ઘણા વધારે જથ્થામાં શહેરી વિસ્તારમાં પ્રવેશે છે. જેથી શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ત્રણ-ત્રણ દિવસ સુધી થતો નથી. પરિણામે લોકોની માલમાતાને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તેમજ સેનિટેશન અને આરોગ્યલક્ષી પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે.
આમ ચોમાસાની ઋતુમાં હાઇ-વેના તમામ ક્રોસિંગ થી આવતા વરસાદી પાણીનો સત્વરે નિકાલ જામવા નદી તરફ થાય તે માટે દરજીપુરા પાંજરાપોળ તરફથી જાંબુવા નદી તરફના ભાગે હાઇવે સમાંતર પૂર્વ દિશા તરફની લંબાઈમાં વરસાદી ગટર બનાવવાનું આયોજન કરવું જરૂરી છે. આ કામગીરી માટે હાલના તબક્કા હાલમાં આયોજન કરાયું છે અને ભવિષ્યમાં જાંબુઆ તરફ લઈ જઈ શકાય તે પ્રમાણે ઇનવોલ્ટ લેવલ રાખેલ છે. જેમાં પાણીની આવક તથા કેચમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખીને એલ.એન્ડ.ટી કલવર્ટથી વાઘોડિયા જંકશન સુધી નેશનલ હાઇવે સમાંતર વરસાદી ચેનલ બનાવવાનો સમાવેશ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 22-23 અને 23-24 ગ્રાન્ટ પેટે કરેલ છે.
આ અંગે નેટ અંદાજિત 8,81,33,608 માટે ભાવ પત્ર મંગાવતા કુલ ચાર કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવપત્રો આવ્યા છે. આ ચારેય કોન્ટ્રાક્ટરો પૈકી સૌથી ઓછું ભાવપત્ર મેં એસ.કે.મકવાણા એન્ડ કુ.એ 6.51 ટકાનું રજૂ કરેલું ભાવ પત્ર સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરાયું છે.