વડોદરા શહેર-જિલ્લામાં મેઘમહેર સતત વરસાદથી વાતાવરણ ઠંડુ

તાપમાનનો પારો ૨.૮ ડિગ્રી ગગડયો ઃ જિલ્લામાં સૌથી વધુ ડભોઇ તાલુકામાં ૬૪ મિમી વરસાદ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
વડોદરા શહેર-જિલ્લામાં મેઘમહેર સતત વરસાદથી વાતાવરણ ઠંડુ 1 - image

વડોદરા, તા.16 વડોદરા શહેર અને જિલ્લામાં આજે બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. સવારથી જ શહેરમાં સતત વરસાદના કારણે તાપમાનનો પારો પણ ગગડયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરમાં પોણો ઇંચ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડભોઇ તાલુકામાં ખાબક્યો હતો.

ઉલ્લેખનીય છે કે આખો શ્રાવણ માસ આકરી ગરમી વચ્ચે પસાર થયા બાદ શ્રાવણના છેલ્લા દિવસે તેમજ ભાદરવાની શરૃઆતમાં વરસાદ પડતાં પાકને પણ જીવતદાન મળ્યું છે. ગઇકાલથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાધારણ વરસાદ પડયા બાદ આજે સવારથી જ વરસાદ વરસવાનું સતત ચાલુ રહ્યું હતું. આખો દિવસ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં આજે તાપમાન ૨.૬ ડિગ્રી ગગડીને ૨૭.૮ મહત્તમ તેમજ ૧.૬ ડિગ્રી ગગડીને ૨૫.૬ ડિગ્રી ન્યૂનત્તમ નોંધાયું  હતું. સવારે  હવામાં ભેજનું પ્રમાણ ૯૫ અને સાંજે ૯૭ ટકા  હતું. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમના ૧૪ કિલોમીટર ઝડપના ઠંડા પવનોએ વાતાવરણ ઠંડુ બનાવી દીધું હતું. જ્યારે પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં ૧૫ મિમી વરસાદ પડયો હતો જ્યારે જિલ્લામાં ડભોઇમાં ૬૪મિમી, શિનોરમાં ૩૭, પાદરામાં ૧૨, કરજણમાં ૧૪, વાઘોડિયામાં ૧૩ અને સાવલી તાલુકામાં ૪ મિમી વરસાદ પડયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં હજી બે દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે.




Google NewsGoogle News