સપ્તાહના વિરામ બાદ વડોદરામાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો
ગરમી અને ઉકળાટ બાદ મેઘાગમનથી ઠંડક ઃ મુક્તાનંદ સર્કલ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી
વડોદરા, તા.22 વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદની સંતાકુકડી બાદ આજે આખો દિવસ વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. બપોરે બેથી ચાર વાગ્યા સુધી બે કલાકના સમયમાં એક ઇંચ વરસાદ પડયો હતો. વરસાદી માહોલના કારણે ગરમીનો પારો પણ ૩.૨ ડિગ્રી ઘટી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી વરસાદ હાથતાળી આપતો હતો અને દિવસેને દિવસે ગરમી તેમજ ઉકળાટનું પ્રમાણ વધતું જતું હતું. ગઇરાત્રિથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૃ થયું હતું. આજે દિવસ દરમિયાન પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા રહેતા હતાં અને બપોરે બે વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ પડતાં મુક્તાનંદ સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં.
પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સવારે છથી સાંજે છ વાગ્યા સુધી જિલ્લામાં સૌથી વધુ કરજણ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે પાદરામાં પણ ૩૫ મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાવલીમાં ૦૨, વાઘોડિયામાં ૧૨, ડભોઇમાં ૦૫, શિનોરમાં ૮ મિમી વરસાદ પડયો હતો. આ સાથે વડોદરામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૨૩૧ મિમી નોંધાયો હતો. હજી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ ગરમીનો પારો અચાનક ૩.૨ ડિગ્રી ઘટીને ૩૦.૬ ડિગ્રી નોંધાયો હતો. આ ઉપરાંત ન્યૂનત્તમ પારો પણ ૧ ડિગ્રી ઘટીને ૨૫.૪ ડિગ્રી રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમના પવનોની ગતિ ૬ કિલોમીટર નોધાઇ હતી અને હવામાં ભેજનું પ્રમાણ સવારે તેમજ સાંજે ૯૭ ટકા હતું.