ગરમીનો પારો ૫.૬ ડિગ્રી ગગડયો વડોદરામાં વાદળિયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસેલો વરસાદ

તાપમાન એકદમ ગગડતાં વાતાવરણમાં ઠંડક ઃ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
ગરમીનો પારો ૫.૬ ડિગ્રી ગગડયો  વડોદરામાં વાદળિયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસેલો વરસાદ 1 - image

વડોદરા, તા.15 વડોદરા શહેરમાં આજે આખો દિવસ વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરઝર વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે છથી સાંજે છ વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ પડયો હતો. વરસાદી માહોલના કારણે ગરમીનો પારો ૫.૬ ડિગ્રી ઘટી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૦ દિવસથી વરસાદ સતત હાથતાળી આપતો હતો અને દિવસેને દિવસે ગરમી તેમજ ઉકળાટનું પ્રમાણ વધતું જતું હતું. ગઇરાત્રિથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૃ કર્યું હતું. આજે દિવસ દરમિયાન પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા રહેતા હતાં. વાદળિયા વાતાવરણના કારણે વાતાવરણ પણ ઠંડુ બની ગયું હતું.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સવારે છથી સાંજે છ વાગ્યા સુધી જિલ્લામાં સૌથી વધુ શિનોર તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે પાદરામાં વરસાદ નોંધાયો ન  હતો. આ ઉપરાંત સાવલીમાં ૩૩, વાઘોડિયામાં ૨૯, ડભોઇમાં ૩૭, કરજણમાં ૪૫ અને ડેસરમાં ૨૩ મિમી વરસાદ પડયો હતો. આ સાથે વડોદરામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ આઠ ઇંચ નોંધાયો હતો. હજી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ ગરમીનો પારો અચાનક ૫.૬ ડિગ્રી ઘટીને ૩૦.૫ ડિગ્રી નોંધાયો હતો. આ ઉપરાંત  ન્યૂનત્તમ પારો પણ ૧ ડિગ્રી ઘટીને ૨૮ ડિગ્રી રહ્યો  હતો. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ ૮ કિલોમીટર નોધાઇ હતી અને હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૮ તેમજ સાંજે ૮૫ ટકા હતું.




Google NewsGoogle News