દાહોદમાં તોફાની પવન ફૂંકાયા બાદ કરા સાથે ભારે વરસાદ
આકરી ગરમીની વચ્ચે વરસાદ પડતાં રાહત ઃ તોફાની પવનના કારણે વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, ખેતીને નુકસાન
દાહોદ તા.૧૧ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ, ઝાલોદ, ગરબાડા પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન વચ્ચે કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવન ફૂંકાતા દુકાન પાસેના શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા. તો પંચકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડૂલ થઇ હતી. દાહોદ તાલુકાના માંડવરોડ સબરાડા ગામમાં બે વ્યક્તિઓ પર વીજળી પડતા બંને વ્યક્તિઓ લકવાગ્રસ્ત થઇ ગયા હતાં. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દાહોદની રેલવે હોસ્પિટલ લઇ જવાયા હતા.
દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ કરા સાથે ધોધમાર વરસાદ શરૃ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના ઝાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ઝાલોદના લીમડી, વરોડ, મિરાખેડી, કચુંબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા.
અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન પંચમહાલ જિલ્લાના ગરબાડામાં પણ વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંય નગર સહિત તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેતીને નુકસાન થયું હતું.