દિવસે ભારે ઉકળાટ પછી વડોદરામાં સાંજે વાતાવરણમાં બદલાવ બાદ ધોધમાર વરસાદ
મુક્તાનંદ ત્રણ રસ્તા સહિતના માર્ગો પર પાણી ભરાયા ઃ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક
વડોદરા, તા.3 વડોદરા શહેરમાં આજે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને સાંજના સમયે ઓફિસથી ઘેર જતા લોકો અટવાઇ ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય વરસાદ શહેર અને જિલ્લામાં વરસી રહ્યો છે જો કે વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે પણ આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું હતું સાથે સાથે ૧૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. સાંજના છ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
લગભગ અડધો કલાક સુધી સતત વરસાદ વરસ્યો હતો જેના પગલે મુક્તાનંદ ત્રણ રસ્તા સહિતના કેટલાંક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે છથી રાત્રે આઠ વાગ્યા સુધી શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સાવલીમાં માત્ર બે મિમી વરસાદ પડયો હતો. જિલ્લામાં અન્ય તાલુકાઓ કોરા રહ્યા હતાં.
હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં આજે તાપમાનનો પારો ફરી વધ્યો હતો. ૩.૪ ડિગ્રી વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોધાયું હતું જ્યારે ન્યૂનત્તમ તાપમાન પણ ૩.૨ ડિગ્રી વધીને ૨૮ ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૫ અને સાંજે ૭૫ ટકા નોંધાયું હતું.